કોડિનારઃ ગીર સોમનાથ જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. જેમાં કોડિનાર-સૂત્રાપાડા હાઈવે પર ખનીજનું વહન કરનારા ડમ્પરો પૂરફાટ ઝડપે અને બેફામરીતે ચલાવાતા હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે સુત્રાપાડા-કોડીનાર હાઈવે પર પૂરપાટા ચાલતા ડમ્પરે બાઇકને અડફેટે લેતા યુવાન બાઈકચાલકનું મોત નીપજ્યુ હતું. છેલ્લા ત્રણ દિવસમાં આ હાઇવે પર અકસ્માતમાં બે યુવાનોના મોત નીપજ્યા હતા. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ હાઇવે પર બેસીને ચક્કાજામ કરતા 300થી વધારે ટ્રકોના પૈંડા થંભી ગયા હતા. સ્થાનિક લોકો બાઈકસવાર યુવાનનો મૃતદેહ લઇને હાઇવેની વચ્ચે જ બેસી ગયા હતા.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સુત્રાપાડા – કોડીનાર હાઈવે પર ડમ્પરે બાઇકને અડફેટે લેતાં યુવાન બાઈક ચાલકનું મોત નિપજ્યુ હતુ. આ અકસ્માતને લીધે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને હાઈવે પર ચક્કાજામ કર્યો હતો અને લોકોએ મૃતક યુવાનનો મૃતદેહ કલાકોથી રસ્તા પર મુકી દીધો છે. છેલ્લા ત્રણ દિવસમાં ડમ્પરે બે યુવાનનો ભાગ લીધો છે. સ્થાનિક લોકોએ ઓવર લોડ ટ્રકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ મૃતક યુવાનના પરિવારને વળતર આપવાની માંગ કરી હતી.
સ્થાનિકો લોકોએ જણાવ્યુ હતુ કે, પૂરપાટ ઝડપે દાડતી ટ્રકો અને ડમ્પરોને કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. પરંતુ તંત્રની ઊંઘ ઉડતી નથી. અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતકનો મૃતદેહ અહીં જ રાખવાના છીએ. અન્ય વ્યક્તિએ જણાવ્યુ હતુ કે, પૂરપાટ ઝડપે ચાલતી ટ્રકો કોના ઇશારાથી ચાલે છે તે જ ખબર નથી પડતી. તંત્ર જાગતું નથી. અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આ ડેડબોડી એમની એમ જ રહેશે.