Site icon Revoi.in

અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ સમીસાંજ બાદ ધીમી ધારે વરસાદના ઝાપટાં પડ્યા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે, ત્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયકલોનિક લો પ્રેશરની અસરના પગલે કેટલાક વિસ્તારોમાં અષાઢી માહોલ સર્જાયો છે. અમદાવાદ શહેરમાં બપોરે વાતાવરણમાં પલટો આવ્યા બાદ સમીસાજે વરસાદના હળવા ઝાપટાં પડ્યા હતા. દરમિયાન હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 1 અઠવાડિયા સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે.

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શુક્રવારે સાજેં ધીમીધારે વરસાદ પડ્યો હતો. બપોરે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વીજળીના કડાકા ભડાકા થયા હતા અને ધીમીધારે વરસાદ વરસ્યો હતો. રાત્રે પણ વરસાદ વરસવાનું ચાલુ રહ્યું હતું. જેમાં સેટેલાઈટ, એસજી હાઇવે, પ્રહલાદનગર, શિવરંજની, સાયન્સ સિટી, થલતેજ, બોપલ, ચાંદખેડા, સાબરમતી, ન્યુ રાણીપ, આશ્રમ રોડ, મણિનગર, વટવા, ઇસનપુર, નરોડા, નારોલ, રામોલ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી વહેલી સવારે પણ આકાશમાં વાદળો છવાયા હતા અને વરસાદી વાતાવરણ સર્જાયું હતું.

રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયકલોનિક લો પ્રેશરની અસરના પગલે દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે  કેટલાક વિસ્તારોમાં હવામાં ભેજનું પ્રમાણ વધતા ભારે બફારો અનુભવાયો હતો.  જો કે, સાંજના સમયે સુરતના સરથાણા અને વરાછામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે કામરેજમાં અડધા ઇંચથી વધુ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી.

નવરાત્રિ બાદ ચોમાસુ વિદાય લેતું હોય છે. પરંતુ આ વખતે નવરાત્રિ પૂર્ણ થયા બાદ પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરતમાં મોડી સાંજે વરસાદનું જોરદાર ઝાપટું પડ્યુ હતુ. જેના કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી. શિયાળાની શરૂઆતમાં પડેલા વરસાદના પગલે રોગચાળો વકરે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.