સુપ્રીમ કોર્ટના રુમમાં દોઢ વર્ષના લાંબાગાળા બાદ ફરી શરુ થશે સુનાવણી- કોર્ટે વકીલોને શારીરિક ઉપસ્થિતિ અંગે નિર્દેશ આપ્યો
- કોરોના બાદ હવે સુનાવણી માટે સુપ્રીમકોર્ટના દરવાજા ખુલશે
- દોઠ વર્ષ બાદ કોર્ટના રુમમાં થશે સુનાવણી
દિલ્હીઃ- સમગ્ર દેશમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારી વર્તાઈ રહી છે, જેને લઈને અનેક કાર્ય પર તેની અસર પડી હતી, જેમાં કોર્ટના કામકાજ પણ વર્ચ્યૂઅલ રીતે કરવામાં આવતા હતા. ત્યારે હવે સ્થિતિ સામાન્ય થતા દોઢ વર્ષ જેટલા સમય પછી સુપ્રિમ કોર્ટમાં હવે રુબરુ સુનાવણી શરુ કરવામાં આવશે.
લગભગ દોઢ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ફરીથી ચેમ્બરની અંદર ન્યાયાધીશની સામે વકીલોની દલીલો જોવા મળશે. સુનાવણી કોર્ટરૂમની અંદર શરૂ થવા જઈ રહી છે. ઉચ્ચ અદાલતે વકીલોને શારીરિક સુનાવણીનો ભાગ બનવાની વિનંતી કરી છે. આ માટે સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક કેસમાં ન્યાયિક આદેશ દ્વારા વકીલોને કોર્ટમાં આવીને દલીલ કરવા નિર્દેશ પણ જારી કર્યો હતો.
જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને ન્યાયાધીશ એસ. રવિન્દ્ર ભટ્ટની ખંડપીઠે ઉત્તરપ્રદેશ સંબંધિત એક અપરાધિક અપીલની સુનાવણી દરમિયાન આ નિર્દેશ આપ્યો હતો. ખંડપીઠે આ કેસના બંને વકીલોને કોર્ટરૂમમાં આવવા અને ત્રણ અઠવાડિયા પછી યોજાનારી આગામી સુનાવણીમાં સામ-સામે દલીલ કરવા જણાવ્યું હતું. આ અંગે બંને પક્ષના વકીલોએ પણ સહમતિ દર્શાવી છે.
આ બબાતને લઈને જસ્ટિસ એલ નાગેશ્વર રાવે કહ્યું હતુ કે, આપણે ક્યારેકને ક્યારેક તો આ તબક્કે શારીરિક ચર્ચા શરૂ કરવી પડશે. સુપ્રીમ કોર્ટના લગભગ તમામ ન્યાયાધીશોએ કોરોનાની રસી લીધી છે તેને ધ્યાનમાં લેતા અને સ્થિતિ સામાન્ય થતા, હવે તે સમય આવી ગયો છે જ્યારે શારીરિક સુનાવણી શરૂ કરી શકાય. જસ્ટિસ રાવે કહ્યું કે હવે પરિસ્થિતિ બદલાઇ રહી છે અને આપણે આપણી જૂની પદ્ધતિ અપનાવવી પડશે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાને લઈને વિતેલા વર્ષની 23 માર્ચથી કોર્ટની સુનાવણી વર્ચ્યૂઅલ કરવામાં આવી હતી, જો કે હવે સ્થિતિ સામાન્ય થતા કોર્ટમાં શારિરીક સુનાવણી કરવાની ટૂંક સમયમાં શરુઆત કરવામાં આવશે.