રાજકોટઃ કોરોનાના સંક્રમણની ગતી ધમી ધીમી પડતા અને કેસમાં ઘટાડો થતા નિયંત્રણોમાં છૂટછાટ અપાતા માર્કેટ યાર્ડમાં કામકાજ શરૂ થયા છે. રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્ર્રનું સૌથી મોટું એવું રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ આજે એક મહિના બાદ ખૂલ્યું હતું અને અગાઉથી આપેલી મંજૂરી મુજબ પાંચ જણસોની હરાજી થઈ હતી.
કોરોનાના તીવ્ર સંક્રમણને કારણે છેલ્લા એકાદ મહિનાથી બંધ રહેલા માર્કેટયાર્ડમાં આજથી ધીમી ગતિએ હરરાજી સહિતના કામકાજ શરૂ થયા હતા અને પ્રથમ દિવસે સાતથી આઠ કરોડના માલની હરરાજી થઈ હતી. સોમવારથી વધુ ચાર કૃષિ જણસીઓનો ઉમેરો કરવામાં આવશે. પૂર્વ નિર્ણય મુજબ આજથી મગફળી, કપાસ, તલ, મગ અને એરંડા એમ પાંચ જણસીઓની હરરાજી કરવામાં આવી હતી. 200થી250 વાહનો ખડકાયા હતા. કપાસમાં 550 કવીંટલ, મગમાં 650 કવીંટલ, મગફળીમાં 28000 ગુણી તલીની 2200 કવીંટલ, એરંડાની 1040 કવીંટલ તથા કાળાતલમાં કવીંટલની આવક હતી. મોટાભાગનો માલ વેચાઈ ગયો હતો. આંકડાકીય દ્દષ્ટિએ સાત થી આઠ કરોડનો માલ છે.
એકાદ મહિનાથી હરરાજી બંધ હતી એટલે ખાસ કરીને ખેડુતો તકલીફમાં મુકાયા હતા. કોરોના મહામારીમાં માલ પડયો હોવા છતાં હાથમાં નાણાં ન હતા. વેપારીઓ-દલીલો પણ કોરોના હળવો થયો હોવાથી હરરાજી ચાલુ કરવાની માંગ કરતા રહ્યા હતા. વેપારીઓ, સંચાલકોએ તબકકાવાર ચાલુ કરવા સર્વસંમત નિર્ણય લીધો હતો. સૂત્રોના કહેવા પ્રમાણે સોમવારથી વધુ ચાર કૃષિ જણસીઓનો ઉમેરો કરવામાં આવશે છતાં હજુ ઘઉં, ચણા જેવી ચીજો માટે કોઈ નિર્ણય થયો નથી. આ બન્ને જણસીઓની છૂટ્ટ અપાય તો જંગી માત્રામાં માલ ઠલવાય શકે અને સોશ્યલ ડીસ્ટન્સીંગ જેવા નિયમોનું પાલન કરાવવાનું પડકારરૂપ બની શકે છે. જો કે, આ બન્ને ચીજો ચાલુ કરવા ખેડુતોનું પ્રચંડ દબાણ છે.
રાજકોટ માર્કેટયાર્ડની કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, તા.૨૩ને રવિવારે મતલબ કે આવતીકાલે બપોરે ૨ વાગ્યાથી કપાસ, સફેદ તલ, કાળા તલ, મગ, એરંડા અને ચોળીની આવક સોમવારે સવારે ૮ વાગ્યા સુધી આવવા દેવામાં આવશે. જણસોની હરરાજી યાર્ડની અનુકુળતા અને વ્યવસ્થા મુજબ કરાશે. આ સિવાયની કોઇ જણસોને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.