Site icon Revoi.in

રાજકોટમાં રાત્રે ધોધમાર બાદ દિવસ દરમિયાન 5 ઈંચ વરસાદ પડતા અનેક ઘરોમાં પાણી ભરાયાં

Social Share

રાજકોટઃ શહેરમાં ગત રાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ અવિરતપણે મેઘાનાં મંડાણ મંડાતાં દેખાઈ રહ્યાં છે.  મંગળવારે દિવસ દરમિયાન પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. સતત વરસી રહેલા વરસાદે ઘણી તારાજી સર્જી છે. શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહેતી દેખાઈ રહી છે. ઘણી જગ્યાએ વાહનો ફસાઈ ગયાં છે. તો કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. ઘર હોય કે રસ્તા, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજકોટ જિલ્લામાં આજે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે મેઘરાજાએ જળસંકટ દૂર કરી દીધું છે. ધોરાજી પાસે આવેલા ભાદર 2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે, પડધરી પાસે આવેલા આજી 2 ડેમના 8 દરવાજા બે ફૂટ સુધી તો ન્યારી 2 ડેમના 6 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. રાજાશાહી વખતનો રાજકોટનો લાલપરી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ હેઠળ આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

રાજકોટ શહેરમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરાયો છે. વિમાની સેવા પણ ખોરવાઈ ગઈ હતી. એમાં ઇન્ડિગોની રાજકોટ-મુંબઈ ફ્લાઇટ 35 મિનિટ મોડી પડી હતી., જ્યારે સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઈ, દિલ્હી અને ગોવાની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. હાલ ધોધમાર વરસાદને પગલે સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાયાં હતા અને વરસતા વરસાદ વચ્ચે દર્દીઓને સ્ટ્રેચર પર ખસેડાવામાં આવ્યા હતા. આ સાથે અનરાધાર વરસાદમાં શહેરના ઘાંચીવાડમાં જર્જરિત દીવાલ પડતાં 4 બાળકને ઇજા પહોંચી છે તથા રિક્ષા-કારને પણ નુકસાન થયું છે.હાલ ભારે વરસાદને પગલે સદગુરુ પાર્ક, માંડાં ડુંગર વિસ્તારમાં 3 વર્ષ પહેલા બનેલો પુલ તૂટ્યો છે. જેને પગલે 150 ઘર ફસાયા છે.

રાજકોટ શહેરના પ્રવેશદ્વાર સમા માધાપર ચોકમાં તો રસ્તા નદી બન્યા છે. જ્યાં માધાપર ચોકથી શરૂ કરી 150 ફૂટ રિંગ રોડ, જંકશન, ગાયકવાડી, રેલનગર, પોપટપરા, રામનાથપરા, ભગવતીપરા, રૈયા રોડ, મવડી, કુવાડવા, મોરબી રોડ સહિત વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સરેરાશ 11 ઇંચ વરસાદને પગલે ઠેર-ઠેર પાણી પાણી જોવા મળી રહ્યું છે અને રાહદારીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળતાં ટ્રાફિકજામનાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં.

​​​​