Site icon Revoi.in

કૃષિ બાદ સૌથી વધુ રોજગાર આપનાર ક્ષેત્ર હોય તો તે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ: દર્શનાબેન જરદોશ

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત એમ્બ્રોઈડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ત્રિદિવસીય ‘સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઈલ એન્ડ મશીનરી એક્ષ્પો- સીટમે 2023’ને કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. તા. 4 થી 6 માર્ચ દરમિયાન આયોજિત એક્ઝિબીશનમાં એમ્બ્રોઈડરી મશીનરીના કુલ 60 સ્ટોલ ઊભા કરાયા છે, જેમાં સુરત, અમદાવાદ, દિલ્હી, ચંડીગઢ, કોલકાતા, તિરૂપુર, લુધિયાણા, અમૃતસર, પાનીપત, જયપુર, ભીવંડી અને માલેગાવ સહિત દેશભરના શહેરોમાંથી ર૦ હજારથી વધુ બાયર્સ મુલાકાત લઈ રહ્યા છે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, સુરત શહેરે ટેક્ષ્ટાઈલ ક્ષેત્રે વિકાસની નવી વ્યાખ્યા સિદ્ધ કરી છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વની ભુમિકા છે. કૃષિ બાદ સૌથી વધુ રોજગાર આપનાર ક્ષેત્ર હોય તો તે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ છે, ત્યારે ટેક્ષ્ટાઈલ ક્ષેત્રને નવી દિશા આપવા માટે સરકારે ઉદ્યોગકર્તાઓ માટે અનેકવિધ યોજનાઓ બહાર પાડી છે.

ચેમ્બર ઓફ કોમર્સની વ્યાપારિક ગતિવિધિઓની સરાહના કરી તેમણે ઉમેર્યું કે, ગુજરાત અને ખાસ કરીને સુરત ઉદ્યોગ સાહસિકોની ધરતી છે. રેડીમેડ ગાર્મેન્ટમાં વિકાસની વિશાળ તકો હોવાથી સરકાર આ ક્ષેત્રના સાહસિકોને પ્રોત્સાહિત કરી રહી છે. હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ, સિલ્ક, ટેકનિકલ ટેક્ષટાઈલ, રિસર્ચ એમ મહત્તમ ક્ષેત્રના ફંડમાં 3 ગણો વધારો કરાયો છે. 

મંત્રીએ 45 દિવસની સમર્થ ટ્રેનિંગમાં થકી શીખનાર તેમજ શીખવનાર બંનેને નાણાકીય સહાય આપવામાં આવે છે, આ તાલીમ થકી વ્યક્તિ પોતાનું ટેક્ષટાઈલ યુનિટ ઉભું કરી શકે છે જેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો અને ટેક્ષટાઈલ ઉદ્યોગનો સર્વાંગી વિકાસ કરવા તેમજ પરંપરાગત વસ્ત્ર ઉદ્યોગને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરૂ પાડવા રાજ્ય અને કેન્દ્ર સરકાર પરસ્પર સહયોગથી શક્ય તેટલી તમામ મદદ કરવાની બાહેધરી આપી હતી. 

ટેક્ષટાઈલ ક્ષેત્રે વિશ્વવિખ્યાત બનેલા સુરતની પ્રગતિને બિરદાવતા મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલે એમ્બ્રોઈડરી સહિતનો સુરતનો વસ્ત્ર ઉદ્યોગ હાર્ડવેર, સોફ્ટવેર તેમજ તમામ નવીન ટેકનોલોજીના સુયોગ્ય સંકલન સાથે આગળ વિસ્તરી રહ્યો હોવાનું જણાવી આત્મનિર્ભર ભારતના ધ્યેયને સુનિશ્ચિત કરવા ઉદ્યોગકારોને ટેક્ષટાઈલ ઉદ્યોગોની મશીનરીને ઘરઆંગણે નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું કે, સુરત એ ટેક્ષ્ટાઈલ અને ડાયમંડ ઈન્ડસ્ટ્રીના MSME હબ તરીકે ઓળખાય છે, ત્યારે ટેક્ષ્ટાઈલમાં વેલ્યુ એડિશન કરવા અને સુરતને ટેક્ષ્ટાઈલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવા ચેમ્બર પ્રયત્નશીલ છે. ટેક્ષ્ટાઈલમાં હાઈસ્પીડ મશીનરી થકી ઉત્પાદિત થતું કાપડ આવનારા દિવસોમાં વૈશ્વિક બ્રાન્ડ બની રહેશે. ડિજીટલ પ્રિન્ટીંગ અને એમ્બ્રોઈડરી મશીનરી થકી સુરતમાં રિયલ ફેબ્રિકની ઓળખ થશે. આ પ્રદર્શનથી સુરતમાં ટેક્ષ્ટાઈલ મશીનરીઓના જૂના ડીલરોને બુસ્ટઅપ તો મળશે જ પણ નવા ડીલરોને પણ પ્લેટફોર્મ મળી રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.