અમદાવાદ અને સુરત બાદ હવે રાજકોટમાં ગાર્ડન અને ઝુ બંધ કરાયાં
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે અમદાવાદ અને સુરતમાં બાગ-બગીચા સહિત જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર હોય તેવી જગ્યાઓ બંધ કરવામાં આવી છે. હવે સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં બાગ-બગીચા અને ઝુ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા વહીવટીતંત્ર સાબદુ બન્યું છે. તેમજ કોરોના નોડલ અધિકારી ડો.રાહુલ ગુપ્તાએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સીવીલ તેમજ ખાનગી હોસ્પીટલના તબીબો સાથે પણ કોરોના સ્થિતિની સમીક્ષા કરી હતી. બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, રાજકોટ શહેરના તમામ બાગ-બગીચા અને પ્રાણી સંગ્રહાલયો બંધ કરી દેવાની સાથે મહાનગરપાલિકા અને પોલીસની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા બે દિવસ સુધી ભીડભાડવાળા વિસ્તારો, ચા-પાનના લારી ગલ્લાઓ પર એકઠા થતા લોકોને માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સની સમજ આપવામાં આવશે. આમ છતાં પણ આવા સ્થળોએ ભીડ એકત્રીત થતી રહેશે તો રવિવારથી આક્રમક કાર્યવાહી શરુ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન કરવામાં આવ્યું છે. અમદાવાદ અને સુરતમાં સિટી બસ અને બીઆરટીએસ સેવાઓ પણ બંધ કરવામાં આવી છે.