અમદાવાદ બાદ હવે સુરતમાં નબીરાએ કહેર વર્તાવ્યો, નશામાં ચકચુર કારચાલકે 5 વ્યક્તિઓને લીધા અડફેટે
- ત્રણ મોટરસાઈકલને અડફેટે લઈને અકસ્માતની હારમાળા સર્જી
- પોલીસે ગુનો નોંધીને કાર ચાલકની ધરપકડ કરી
- આરોપી સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી
અમદાવાદઃ ઈસ્કોન બ્રિજ ઉપર ઘનાઢ્ય પરિવારના નબીરા તથ્ય પટેલે સર્જેલા અકસ્માતની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં હવે સુરતમાં નબીરાએ પૂરઝડપે મોટરકાર હંકારીને પાંચ વ્યક્તિઓને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં પૂરઝડપે પસાર થતી કારના ચાલકે પાંચ વ્યક્તિઓને અડફેટે લેતા નાસભાગ મચી ગઈ હતી. અકસ્માતને પગલે એકત્ર થયેલા લોકોએ કાર ચાલકને માર મારીને પોલીસને હવાલે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં મોડી રાતના પૂરઝડપે પસાર થતી કારના ચાલકે ત્રણ જેટલી મોટરસાઈકલને અડફેટે લઈને અકસ્માતની હારમાળા સર્જી હતી. આ અકસ્માતમાં ત્રણેય બાઈક ઉપર સવાર પાંચ વ્યક્તિઓને ગંભીર રીતે ઘાયલ થયાં હતા. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. તેમજ કારચાલકને ઝડપી લઈને મેથીપાક ચખાડ્યો હતો. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયા હતા. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાર ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. અકસ્માત સર્જનાર કારનો ચાલક દારૂના નશામાં ચકચુર હાલતમાં હોવાનું ચર્ચાય રહ્યું છે. સ્થાનિકોએ કારચાલક સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. અસક્માત સર્જનાર કારના ચાલકનું નામ સાજન પટેલ હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ઈસ્કોનબ્રિજ ઉપર સર્જાયેલા અકસ્માતમાં આરોપી તથ્ય પટેલની સામે તાજેતરમાં જ તપાસનીશ એજન્સીએ અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.