અમદાવાદઃ રાજ્યમાં નશાના કાળા કારોબારને તોડી પાડવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. તાજેતરમાં અમદાવાદ શહેરના ગીતા મંદિર પાસેથી એસઓજીએ લગભગ બે કરોડની કિંમતના બે કિલો એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. હવે વડોદરામાંથી પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. આ ડ્રગ્સનો જથ્થો મુંબઈથી વેચાણ માટે વડોદરા લવાયો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં એસઓજીએ દરોડા પાડીને ઈમરાન મલેક સહિત બે શખ્સોને ડ્રગ્સના જથ્થા ઝડપી લેવામાં આવ્યાં હતા. આરોપીઓ પાસેથી લગભગ 15 લાખની કિંમતનું 21 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી એસઓજીએ બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ગુનો નોંધીને તેમના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. પોલીસે ઈમરાનના ઘરે પણ સર્ચ કર્યું હતું. જ્યાંથી 15 લાખની રોકડ મળી આવી હતી. પોલીસે ઈમરાન મલેક અને મતીનની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. તેમજ આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં વડોદરા માટે ડ્રગ્સ મુંબઈથી વેચવા માટે લવાયું હતું. જેથી પોલીસ કેસની તપાસ મુંબઈ સુધી લંબાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાંથી તાજેતરમાં જ બે કિલો એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. એટલું જ નહીં કચ્છના સરહદી વિસ્તાર જખૌ નજીકથી છેલ્લા કેટલાક દિવસથી સતત ચરસના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવી રહ્યાં છે. જેથી સુરક્ષા એજન્સીઓ પણ સક્રીય બની છે. ચરસનો જથ્થો પાકિસ્તાનથી લવાયો હોવાનું મનાઈ રહ્યું છે.