દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત દેશના પાંચેક રાજ્યોમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને રાજકીય માહોલ અત્યારથી જ ગરમાયું છે. દરમિયાન સપાના વડા અખિલેશ યાદવે સરદાર પટેલ અને ગાંધીજી સાથે ઝીણાની સરખામણી કરતા વિવાદ થયો હતો. હવે બિહારમાં જેડીયુના ધારાસભ્ય ખાલિદ અનવરે પણ ઝીણાને મોટા સ્વતંત્રતા સેનાની ગણાવતા વિવાદ ઉભો થયો છે.
ખાલિદ અનવરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ઝીણા સંયુક્ત ભારતની આઝાદી માટે બહુ મોટા સ્વતંત્રતા સેનાની છે. ઝીણા પ્રથમ હરોળના સ્વતંત્રતા સેનાની હતા. દેશની આઝાદી માટે તેમણે ઘણી મહેનત કરી હતી તેમાં કોઈ શંકા નથી. ઝીણાએ દેશના ભાગલા કરીને પાકિસ્તાન બનાવ્યું, પરંતુ આપણે આ મુદ્દે તેમને ગમેતેમ કહીએ એ યોગ્ય નથી.
તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા કે, કોંગ્રેસ જ દેશના ભાગલા માટે જવાબદાર છે. જવાહરલાલ નહેરુએ વડાપ્રદાન બનવા માટે દેશના ભાગલા કરાવ્યાં હતા. જો તેઓ ઈચ્છતા તો દેશના ભાગલા પડ્યાં ના હોત. ખાલિદ અનવરના ઝીણાને લઈને કરેલા નિવેદન બાદ વિવાદ ઉભો થયો છે. ભાજપના મંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, જેમણે ઝીણા પ્રત્યે પ્રેમ હોય તે પાકિસ્તાન જતા રહે, એવા લોકો માટે પાકિસ્તાનના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે. ભારતમાં રહેવા માટે ભારત માતા કી જય અને મહાત્મા ગાંધીજીની જય બોલવી પડે.
(PHOTO-FILE)