સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો બાદ રાજ્ય સરકારે માંગ્યો ખૂલાશો
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે. રોજબરોજ કોઈને કોઈ પ્રશ્ને વિવાગ સર્જાતો રહે છે. ત્યારે તાજેતરમાં પ્રોફેસર અને આસિસટન્ટ પ્રોફેસરની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતીમાં ગેરરીતિના આક્ષેપો ઉઠતા ભરતી પ્રક્રિયા પુરતી સ્થગિત રાખવા રાજ્ય સરકારે આદેશ કર્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં મેથેમેટિક્સ,એજ્યુકેશન અને હિન્દી ભવનના પ્રોફેસરની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે આ ભરતી પ્રક્રિયામાં સામેલ એક પ્રોફેસર દ્વારા ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા. જેથી વિવાદ ઊભો થયો હતો અને છેક ગાંધીનગર સુધી રજુઆતો કરવામાં આવી હતી. આથી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો પાસે સરકારે ખુલાસો માંગ્યો છે અને અંતિમ મંજૂરી ન મળે ત્યાં સુધી નિમણૂક પત્ર ન આપવા માટેની સૂચના આપવામાં આવી છે.
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર હરેશ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા જે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી ત્યારે પણ સરકારની પૂર્વ મંજુરી લેવામાં આવી હતી અને હવે નિમણૂંક અંગે સરકાર પાસે મંજૂરી માંગવામાં આવી છે. સરકારની મંજૂરી આવ્યા બાદ નિમણૂક અપાશે. યુનિવર્સિટી પર થયેલા આક્ષેપો અંગે રજિસ્ટ્રારે કહ્યું હતું કે, આક્ષેપો કરનારા પ્રોફેસર હરિકૃષ્ણ સિંઘે પોતે કરેલા આક્ષેપો અંગે યુનિવર્સિટીને લેખિતમાં રદિયો આપ્યો છે. જે સરકારને મોકલી આપવામાં આવ્યો છે.સરકારની મંજૂરી અંગેની પ્રક્રિયા હાથ ધરાશે અને નિમણૂક કરાશે તેવો દાવો કર્યો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર અને આસિસટન્ટ પ્રોફેસરની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઇ હોવાનો બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના એજ્યુકેશન વિભાગના પ્રોફેસર ડીન ડો.હરિકૃષ્ણ સિંઘે આક્ષેપ કર્યો હતો કે, વર્ષ 2019માં જાહેરાત કર્યા બાદ આ ભરતી પ્રક્રિયા એક વર્ષમાં પૂર્ણ કરવાની હોય છે પરંતુ તેના બદલે વર્ષ 2023માં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભરતીમાં મેરીટને ઘ્યાનમાં લેવાને બદલે એક જ ઉમેદવાર રાખવામાં આવ્યા છે.યુનિવર્સિટીના નિયમોને આધીન નહિ પરંતુ બોર્ડ કહે તેની ભરતી કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો.જો કે યુનિવર્સિટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હરિકૃષ્ણ સિંઘે લગાવેલા આક્ષેપો પાછા ખેંચી લીધા છે અને નિયમ મુજબ કાર્યવાહી થઇ હોવાનું લેખિતમાં જાણ કરી છે.