પટનાઃ પાટલી બદલવામાં માહિર એવા નીતીશ કુમારે રવિવારે સાંજે 5 વાગ્યે 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે તેમને શપથ લેવડાવ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી અને ભાજપના નેતા વિજય સિંહાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. શપથવિધી બાદ નીતિશ કૂમારે જણાવ્યું હતું કે, હું જ્યાં હતો ત્યાં પાછો આવ્યો છું.
મુખ્યમંત્રી નીતીશ કુમારના રાજીનામાંની સાથે જ બિહારમાં 17 મહિનાની જૂની મહાગઠબંધન સરકારનો અંત થઈ ગયો. ત્યારબાદ નીતીશ કુમારે બિહારમાં NDA ગઠબંધન વાળી સરકાર બનાવી છે. નીતીશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ શપથ ગ્રહણ બાદ નીતીશ કુમારે જણાવ્યું હતું કે, હું જ્યાં હતો ત્યાં પરત ફર્યો છું. મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ વડાપ્રધાન મોદીએ શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી તરીકેના શપથગ્રહણ બાદ નીતીશ કુમારે કહ્યું કે, ‘હું પહેલા પણ તેમની (NDA) સાથે હતો. અમે અલગ અલગ રસ્તાઓ પર ચાલ્યા પરંતુ અમે હવે સાથે છીએ અને સાથે રહીશું. રવિવારે સાંજે આઠ લોકોએ મંત્રી પદના શપથ લીધા હતા. બાકીના પણ ટુંક સમયમાં શપથ લેશે. હું જ્યાં (NDA) હતો, ત્યાં પરત આવી ગયો છું અને હવે ક્યાંય જવાનો સવાલ જ નથી થતો.’
વડાપ્રધાન મોદીએ બિહારના નવા મંત્રિમંડળને શુભકામનાઓ પાઠવી છે. તેમણે ‘X’ પર લખ્યું કે, ‘બિહારમાં બનેલી NDA સરકાર રાજ્યના વિકાસ અને અહીંના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કોઈ કસર નહીં છોડીએ. નીતીશ કુમારજીને મુખ્યમંત્રી અને સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવા પર મારી ખુબ ખુબ શુભેચ્છાઓ. મને વિશ્વાસ છે કે આ ટીમ સંપૂર્ણ સમર્પણ ભાવથી રાજ્યના મારા પરિવારજનોની સેવા કરશે.’
જેપી નડ્ડાએ શપથ ગ્રહણ બાદ મુખ્યમંત્રી નીતીશ કુમારને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, ‘નીતીશ કુમારને ફરી બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા પર શુભેચ્છા. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હા સહિતના શપથ લેનારા તમામને શુભેચ્છા. મને પૂર્ણ વિશ્વાસ છે કે વડાપ્રધાનના માર્ગદર્શનમાં નીતીશની સરકાર વિકસિત અને આત્મનિર્ભર બિહારનો સંકલ્પ સાકાર કરશે. NDA લોકસભા ચૂંટણીમાં જીત મેળવશે અને 2025માં સરકાર બનાવશે.’
નીતીશની સાથે કુલ 8 મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં નાયબ મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરી (ભાજપ) અને વિજય સિંહા (ભાજપ) તેમજ મંત્રી તરીકે ડૉ. પ્રેમ કુમાર (ભાજપ), વિજેન્દ્ર પ્રસાદ (JDU), શ્રવણ કુમાર (JDU), વિજય કુમાર ચૌધરી (JDU), સંતોષ કુમાર સુમન (હમ), 8. સુમિત સિંહ (અપક્ષ)નો સમાવેશ થાય છે.