અમરેલીઃ જિલ્લામાં વનરાજોની વસતીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં રાજુલાથી જાફરાબાદનો દરિયાઈ વિસ્તાર સિંહોને અનુકૂળ આવી ગયો હોય તેમ આ વિસ્તારમાં સિંહોના આંટોફેરા વધી રહ્યા છે. ત્યારે જાફરાબાદના લુણસાપુર ગામ નજીક ખાનગી કંપનીના સિક્યુરિટીગાર્ડ ઉપર મોડી રાતે એક સિંહણે હુમલો કર્યો હતો. ત્યારબાદ સવારે ફરી સિંહણ મીતીયાળા નજીક સીમ વિસ્તારમાં આક્રમણ બની ગઈ હતી. જેથી ગામ લોકોએ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગ દ્વારા સિંહણને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન સિંહણે વન વિભાગના ત્રણ કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો. જેથી વનવિભાગમાં દોડધામ મચી ગઈ હતી. વનવિભાગના કર્મચારીઓ અને ઓફિસરોએ જીવના જોખમે સિંહણને ઈન્જેક્શન આપી બે ભાન કરી હતી. જાફરાબાદ રેન્જે બે કલાકમાં સમગ્ર ઓપરેશન પાર પાડી સિંહણને અંતે પાંજરે પુરી હતી.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલીના જાફરાબાદના લુણસાપુર ગામ નજીક આવેલી એક ખાનગી કંપનીના સિક્યુરિટી ગાર્ડ પર રાત્રે એક સિંહણે હુમલો કર્યો હતો. પંકજ ભાલીયા નામના વ્યક્તિ બાઈક ઉપર પેટ્રોલીંગ કરી રહ્યા હતા, ત્યારે અચાનક સિંહણ આવી ચડતા બાઈકમાં સવાર વ્યક્તિ પર હુમલો કર્યો હતો. હાથમાં અને પગના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાને પગલે ઈજાગ્રસ્ત વ્યક્તિને રાજુલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સવારે મિતીયાળા વિસ્તારમાં સિંહણ હુમલો કરવા દોડધામ કરતી હતી. આ બનાવની વનવિભાગને જાણ કરતા જાફરાબાદ, રાજુલા વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. અને પ્રથમ 2 ટ્રેકરથી સિંહણની મુમેન્ટ ચેક કરવા ગયા હતા. ત્યારે સિંહણે વનકર્મી પર હુમલો કરી લેતા બંને ટ્રેકરો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ વનવિભાગનો મોટો કાફલો દોડ્યો હતો અને સિંહણનો ઘેરાવ કર્યો હતો. દરમિયાન વનવિભાગની જીપ ઉપર હુમલો કરવા દોટ મુકીને સિંહણે આક્રમણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વચ્ચે ડોક્ટરની ટીમ દ્વારા સિંહણને ઈન્જેક્શન મારવાનો પ્રયાસ કરતા વનવિભાગના ડ્રાઈવર ઉપર હુમલો કર્યો હતો. ત્યારબાદ વનવિભાગના અન્ય કર્મચારીઓએ જીવના જોખમે સિંહણ નજીક પહોંચી ઈન્જેક્શન આપી બેભાન કરી હતી.
પાલિતાણા શેત્રુંજી ડીવીઝન ઇન્ચાર્જ એસીએફ જી.એલ.વાઘેલાએ જણાવ્યું હતું કે,. સિંહણને કોઈ બીમારી અથવા કોઈ તકલીફ હોય તેવું લાગે છે, એટલે અમારો સ્ટાફ ત્યાં ગયો હતો અને નિરીક્ષણ કર્યું હતું. બે વ્યક્તિ ઉપર હુમલો કર્યો ત્યારબાદ રાજુલા જાફરાબાદ ટીમો વેટીનરી ડોક્ટરોની ટીમ સાથે પહોંચીને સિંહણને પાંજરે પુરી દીધી હતી. દોઢથી બે કલાકમાં સિંહણને પકડી હાલ સારવારમાં મોકલી આપી છે.