ભાવનગર અને કંડલા બાદ જામનગરમાં આવકવેરાના દરોડા, ફાઈલો, લેપટોપ, દસ્તાવેજો જપ્ત કરાયા
અમદાવાદઃ ગુજરાતમાં આવક વેરા વિભાગ દ્વારા ટેક્સચોરી કરનારા સામે સર્ચ હાથ ધરાયું છે. જેમાં ભાવનગરમાં વહેલી સવારે આયકર વિભાગની ટીમો આવી પહોંચી હતી અને લોકલ પોલીસની ટીમને સાથે રાખી અલગ અલગ ટીમો સાથે શહેરના કુંભારવાડા, મોતીતળાવ, વીઆઈપી, ચિત્રા, નવાપરા, શિશુવિહાર તથા સાંઢીયાવાડ સહિતના વિસ્તારોમાં આવેલી વિવિધ વ્યવસાયી પેઢીઓના સરકારી હિસાબ-કિતાબની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ટીમો દ્રારા ફાઈલો, લેપટોપ સહિતના દસ્તાવેજો કબ્જે કરી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ભાવનગર અને કંડલા બાદ જામનગરમાં શિપના સ્પેરપાર્ટસ બનાવતી કંપનીના એકમ અને નિવાસસ્થાન પર આવકવેરા વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરમાં સાત જેટલા શિપબ્રોકર્સ પર દરોડા પડયા હતા ત્યારબાદ કંડલામાં સ્પેશિયલ ઈકોનોમીક ઝોનમાં ઈન્વેસ્ટિગેશનની વીંગ દ્વારા સર્ચ હાથ ધરાયું હતું. દરમિયાન રાજકોટ આઈટીની ટીમ દ્વારા જામનગરમાં આવેલી એક કંપની પર તવાઈ ઉતારી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જામનગરના હાપા ખાતે આવેલી કંપનીના યુનિટ અને વાલ્કેશ્ર્વરીમાં આવેલા તેમના બંગલા ખાતે આવકવેરાની અલગ–અલગ ટૂકડીઓ દ્વારા સર્ચ કરાયું હતું.. જાણવા મળ્યા મુજબ આ સર્ચ ઓપરેશનમાં રાજકોટ ઈન્વેસ્ટિગેશન વીંગ અને જામનગર વીંગના અધિકારીઓ અને ઈન્સ્પેકટરો જોડાયા હતા. ગયા સાહે ભચાઉ તાલુકાના સામખિયાલી સ્ટીલ કંપનીમાં ઈન્કમટેકસ વિભાગે દરોડા પાડયા બાદ કંડલા સ્પેશિયલ ઈકોનોમીક ઝોનની કંપનીમાં તપાસ આદરી હતી જેમાં ગાંધીધામ આવકવેરા વીંગની ટૂકડીએ યુઝ ગાર્મેન્ટની કંપની તુલિપમાં તપાસ આદરી હતી. આયકર વિભાગ દ્વારા આ કંપનીમાંથી બિનહિસાબી દસ્તાવેજો જ કર્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથોસાથ અમદાવાદ આઈટી વિભાગ દ્વારા ભાવનગરમાં શિપબ્રોકરોને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં એક તરફ જીએસટી ચોરીમાં ભાવનગરનું નામ બહાર આવી રહ્યું છે. એવામાં હવે આયકર વિભાગની ટીમ પણ મેદાનમાં આવી છે, વહેલી સવારથી શહેરના અલગ અલગ વિસ્તારમાં રોલિંગ મીલ અને શીપ બ્રેકીંગના ધંધાર્થીઓને ત્યાં દરોડો પાડી તપાસ હાથ ધરવામાં આવતા કરચોરોમાં ફફડાટ ફેલાયો છે. લોખંડ વ્યવસાય સાથે સંકળાયેલા, રોલિંગ મિલ, શીપ બ્રેકીંગ અને એક પ્લાસ્ટિકની પેઢી અનેક ઉદ્યોગકારો-વેપારીઓને ત્યાં જુદી જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરી હતી, અને વેપારીઓ ઉધોગકારોએ મોબાઈલ સ્વિચ ઓફ કરી અંન્ડરગ્રાઉન્ડ થઈ જવામાં શાણપણ માન્યું હોવાનું જાણવા મળ્યું છે હાલમાં ટીમ વીઆઈપી ઔદ્યોગિક એકમમા તપાસ કરી રહી હોવાનું બહાર આવ્યું છે.