અમદાવાદઃ શહેરમાં કોરોનાના ટેસ્ટીંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોરોનાના ટેસ્ટ માટે ઊભા કરાયેલા ડોમમાં બપોર સુધી ટેસ્ટિંગ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઊઠી છે ત્યારે ડ્રાઈવ-થ્રુ ટેસ્ટિંગ સેન્ટરો વધારવામાં આવી રહ્યા છે. હવે બોપલ બાદ ચાંદખેડા વિસ્તારમાં વિસત ગાંધીનગર હાઇવે પર વૃંદાવન પર્લ 2 સામે આવેલા AMC ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટીંગ શરૂ કર્યું છે.
રાજયમાં RT-PCR ટેસ્ટિંગને લઈને હાઇકોર્ટની ટકોર અને અમદાવાદ શહેરમાં રેપીડ ટેસ્ટીંગ માટે બનાવેલા ડોમમાં હવે માત્ર ગણતરીની કિટો આપી અને રોજના ગણતરીના જ ટેસ્ટિંગ કરવામાં આવે છે. ત્યારે RT-PCR ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને ખાનગી લેબોરેટરી એવી સાલવસ બાયોરિસર્ચ સોલ્યુશન સાથે મળી બોપલ બાદ ચાંદખેડા વિસ્તારમાં વિસત ગાંધીનગર હાઇવે પર વૃંદાવન પર્લ 2 સામે આવેલા AMC ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટીંગ શરૂ કર્યું છે. ચાંદખેડા અને મોટેરા વિસ્તારના લોકોને ટેસ્ટ માટે વસ્ત્રાપુર GMDC સુધી જવું પડતું હતું. પરંતુ હવે ચાંદખેડા વિસ્તારમાંના ડ્રાઈવ-થ્રુ ટેસ્ટિંગ સેન્ટર પર લોકો ટેસ્ટ કરાવી શકશે. ટેસ્ટ માટેનો સમય સવારે 8થી 6 સુધીનો રહેશે. ચાંદખેડા AMC ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ફોર અને ટુ-વ્હીલર માટે 4 કાઉન્ટર અને એક ડોમમાં વોકિંગ માટે ટેસ્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે. સરકારે નક્કી કરેલા ચાર્જ લેવામાં આવે છે અને 24 કલાકની અંદર ટેસ્ટના રિઝલ્ટ વોટ્સએપ પર મોકલી આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે AMCએ ન્યુ બર્ગ સુપ્રટેક સાથે મળી GMDC ગ્રાઉન્ડ અને ત્યારબાદ કાંકરીયાના ફુટબોલ ગ્રાઉન્ડ સહિત 5 જગ્યાએ ડ્રાઇવ થ્રુના માધ્યમથી લોકોનું ટેસ્ટિંગ કરી રહી છે GMDC ગ્રાઉન્ડ ખાતે મળેલી સફળતા બાદ અને હાલની પરિસ્થિતિને જોતા ઉભી થયેલી જરુરિયાત મુજબ વધારાના બે સ્થળો રાણીપ અને બોડકદેવમાં અને રાણીપ ખાતે ડીમાર્ટ પાસે શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે બોડકદેવ ખાતે રાજપથ ક્લબની પાસે કોર્પોરેશન સંચાલિત પ્લોટમાં બૂથ ઉભા કરવામાં આવ્યા છે. અગાઉ GMDC ગ્રાઉન્ડ, કાંકરીયા ફુટબોલ ગ્રાઉન્ડ, રાણીપ, વસ્ત્રાલ ખાતે પણ ડ્રાઇવ થ્રુના બૂથનું સેટઅપ કરવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલા જ બોપલમાં પણ સોબો સેન્ટર પાસે નવું ડ્રાઈવ-થ્રુ ટેસ્ટિંગ શરૂ કરાયું હતું. ત્યારે હવે અમદાવાદમાં છેવાડે ચાંદખેડામાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટ સેન્ટર બનાવવામાં આવતા મોટેરા, ચાંદખેડાના લોકોને સરળતા રહેશે. મહત્વનું છે કે આ તમામ બૂથ ઉપર દૈનિક 2 હજાર લોકોના ટેસ્ટિંગ કરવાનો અંદાજ છે.