Site icon Revoi.in

વડોદરામાં ST બસની બ્રેક ફેલ થયા બાદ બસચાલકે એક કિમી બસ દોડાવી 5 વાહનોને અડફેટે લીધા

Social Share

વડોદરાઃ શહરના વુડા સર્કલ નજીક ગઈકાલે રાત્રે વડોદરાથી પાદરા જતી બસની બ્રેક ફેલ થઈ જતા ડ્રાઇવરે બસ રોકવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમ છતાં બસ એક પછી એક ચાર કાર સાથે અથડાઈ હતી.  એસટી બસના ચાલકને  અમિતનગર સર્કલથી ખબર હતી કે, બસની બ્રેક ફેલ થઈ ગઈ છે તેમ છતાં ડ્રાઈવર અમિતનગર સર્કલથી એક કિલોમીટર સુધી દોડાવીને લઈ ગયો હતો. જેને પગલે અકસ્માતગ્રસ્ત કારચાલકો અને આસપાસના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઉપરાંત બસની બ્રેક ફેલ હોવા છતાં ડ્રાઈવરે એક કિલોમીટર સુધી બસ ચલાવીને મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા.

આ બનાવની વિગતો એવી જણાવા મળી છે કે, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વુડા સર્કલ પાસે એસટી બસના ચાલકે ચાર કારને અડફેટે લીધી હતી. જેને પગલે વુડા સર્કલ પાસે લોકોના ટોળેટોળાં એકત્ર થઈ ગયા હતા. ઘટનાને પગલે લોકોએ પોલીસની જાણ કરી હતી. જેથી પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. દરમિયાન  રોષે ભરાયેલા લોકોએ ડ્રાઇવરને પૂછ્યું હતું કે, તારી ગાડીમાં બ્રેક નહોતી ને? જેથી ડ્રાઇવરે કહ્યું હતું કે, અમિતનગર સર્કલથી બ્રેક લાગતી નહોતી. અને મેં અમિતનગર સર્કલ પાસે પેસેન્જરોને ઉતરવા કહ્યું હતું પણ તેઓ બસમાંથી ઉતર્યા નહોતા. જેથી હું બસ ચલાવીને આગળ નીકળ્યો હતો. લોકોએ પૂછ્યું હતું કે, તને ખબર હતી કે બ્રેક ફેલ છે તો તું અમિતનગરથી ઘોડાસર સુધી બસ ચલાવીને કેમ લાવ્યો. તું સ્વીકારે છે કે તારી ભૂલ છે. જેથી ડ્રાઇવરે હા પાડી હતી. આ ઉપરાંત લોકોએ પૂછ્યું હતું કે, તારી પાસે લાઇસન્સ છે, તો ડ્રાઇવરે કહ્યું હતું કે, મારી પાસે અત્યારે લાઇસન્સ નથી. જેથી લોકોએ કહ્યું હતું કે, તારી પાસે લાઇસન્સ નહોતું તો તું બસ શા માટે ચલાવે છે. આ બનાવને કારણે કારમાં બેઠેલી બે-ત્રણ વ્યક્તિઓને સાધારણ ઇજાઓ પહોંચી હતી. પરંતુ કોઈ ગંભીર જાનહાની થઈ ન હતી. ટોળાય બસના ડ્રાઇવરનો ઉધડો લીધો હતો.