PFIની કામગીરી ઉપર સતત એક મહિના સુધી નજર રાખ્યા બાદ અંતે સુરક્ષા એજન્સીઓએ કાર્યવાહી શરૂ કરી
નવી દિલ્હીઃ કેન્દ્રની વિવિધ એજન્સીઓએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. દેશના 11 રાજ્યોમાં 106 સ્થળો પર દરોડા પાડીને 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ છે. આમાં પાર્ટીના ઘણા મોટા નેતાઓ પણ સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર કાર્યવાહીની રૂપરેખા 29 ઓગસ્ટે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બેઠકમાં તૈયાર આવી હતી. દરમિયાન શાહે PFIની ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.
રિપોર્ટ અનુસાર, 29 ઓગસ્ટના રોજ મીટિંગમાં ભાગ લેનારા ટોચના અધિકારીઓએ કહ્યું કે, શાહ PFI અને તેની સંબંધિત પ્રવૃત્તિઓ વિશે માહિતી ઇચ્છે છે. તે દરમિયાન, જ્યારે હાજર લોકોએ તેમને માહિતી પૂરી પાડી, ત્યારે તેમણે વિવિધ એજન્સીઓને જવાબદારીઓ વહેંચી હતી. PFI સામે મોટી કાર્યવાહી કરવાની યોજના હતી, પરંતુ એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે એજન્સીઓ પહેલા તેમનું હોમવર્ક કરશે. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, RAW, IB, NIA ચીફ સહિત ઘણા મોટા અધિકારીઓએ હાજરી આપી હતી. શાહે સ્પષ્ટ કર્યું હતું કે પીએફઆઈના સમગ્ર કેડર, ભંડોળ અને આતંકવાદી નેટવર્કને તોડી પાડવું પડશે અને તેમાં વિવિધ એજન્સીઓને સામેલ કરવા માટે એક યોજના તૈયાર કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, બેઠક દરમિયાન કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓને માહિતી એકત્ર કરવા અને ડોઝિયર તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. હત્યા અને ખંડણીના કેસમાં પીએફઆઈ કેડરની સંડોવણી સંબંધિત તમામ વિગતો એકત્ર કરવા એજન્સીઓને સૂચના આપવામાં આવી હતી. NIAને કેસોની તપાસ કરવા અને સમગ્ર દેશમાં કેડરને પકડવા માટે છટકું તૈયાર કરવા કહેવામાં આવ્યું હતું. તાજેતરમાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પીએફઆઈ સાથે સંબંધિત ઘણા કેસ પણ એનઆઈએને સોંપવામાં આવ્યા હતા, જેની અગાઉ રાજ્ય પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.
29 ઓગસ્ટની મીટિંગ પછી, EDને PFI ફંડિંગ, વિદેશી સહાય અને ગેરકાયદેસર વ્યવહારો પર પ્રારંભિક અહેવાલો તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સાથે રાજ્યની પોલીસને પણ આ અભિયાનમાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ દરમિયાન તે રાજ્યોને ખાસ સામેલ કરવામાં આવ્યા હતા, જેઓ આ સંગઠન અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા અને રોજેરોજ તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સામનો કરી રહ્યા હતા.