અમદાવાદઃ શહેરના અસારવાથી હિંમતનગર- ઉદયપુર સુધી રેલવે લાઈનનું મીટરગેજથી બ્રોડગેજમાં રૂપાંતર કરાયા બાદ ઓક્ટોબર 2022 માં વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયું હતું. તેને સાડા ત્રણ મહિના વિત્યા બાદ પણ રેલવેએ જાહેર કરેલી નવી ટ્રેનો શરૂ થઈ શકી નથી જેને પગલે પ્રજામાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. કરોડોના ખર્ચ બાદ ઉદયપુર સુધી માત્ર એક ટ્રેન ચલાવાતા લોકોમાં નિરાશા વ્યાપી ગઈ છે. ઉદઘાટન બાદ રેલવે દ્વારા જયપુર કોટા સહિતની ટ્રેનોની જાહેરાત કરાઈ હતી. પરંતુ આ રૂટ્સ પર નવી ટ્રેનો શરૂ કરવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ-અસારવા-ઉદેપુર વચ્ચે બોડગેજ લાઈનના લોકાર્પણના મહિનાઓ બાદ હાલમાં અસારવા ડુંગરપુર ડેમુ, હિંમતનગર અસારવા ડેમુ અને અસારવા ઉદેપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન ચાલી રહી છે. રાજસ્થાનના જન પ્રતિનિધિઓ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પૂર્વ ઘોષિત ટ્રેનો ચાલુ કરવા આંદોલનોની ચેતવણીઓ અને સંસદમાં રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ સાબરકાંઠાના જન પ્રતિનિધિઓ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ મામલે નિરસતા દાખવવામાં આવી રહી છે..
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2020 માં અસારવા ઉદયપુર બ્રોડગેજ ટ્રેકના ઈલેક્ટ્રીફિકેશન માટે 210 કરોડની ફાળવણી ની જાહેરાત કરાઈ હતી.ત્યારે માર્ચ-23 માં કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા નક્કી કરાઈ હતી ઉદયપુર ડુંગરપુર વચ્ચે કામ શરૂ થઈ ગયું છે પરંતુ વેસ્ટન રેલવેમાં આવતા ગુજરાતના રેલ્વે ટ્રેક માટેની કામગીરીનું હજુ ટેન્ડરિંગ પણ થયું નથી સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડે જણાવ્યું કે ટેકનિકલ પ્રોબ્લેમને કારણે નવી ટ્રેનો શરૂ કરી શકાઇ નથી. ઇલેક્ટ્રિફીકેશન મામલે તેમણે જણાવ્યું કે કામ શરૂ થઈ ગયું છે. જ્યારે રેલવેના આધિકારીક સૂત્રોના જણાવ્યાનુસાર હજુ થોડા દિવસો બાદ ટેન્ડરિંગ કર વામાં આવશે.ઈલેક્ટ્રીક ટ્રેન દોડાવવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાથી અમદાવાદ દિલ્હી રેલ સુવિધા નજીકના સમયમાં મળવાની કોઈ સંભાવના નથી.