તલાલા તાલુકામાં તરખાટ માચાવ્યા બાદ ત્રણ દીપડાં આખરે પાંજરે પુરાયા, ખેડુતોમાં હાશકારો
તલાળાઃ સૌરાષ્ટ્રમાં જુદા જુદા વિસ્તારોમાં દીપડાંના ત્રાસની ફરિયાદો ઉઠતી હોય છે. છેલ્લા મહિનાઓથી ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં હિંસક દીપડાઓ આવી ચડી રંઝાડ કરી રહ્યા હોવાની ફરીયાદો વન વિભાગને મળતા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં છેલ્લાં બે દિવસથી ગીર પંથકના બે ગામોમાંથી ત્રણ હિંસક દીપડાઓ પાંજરે પુરાતા ખેડુતો અને ગ્રામીણ પ્રજામાં રાહતની લાગણી પ્રસરી છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ તાલાલા તાલુકાના આંકોલવાડી ગીર ગામે તક્ષશિલા વિદ્યાપીઠ પાછળ બગીચાઓમાં તથા ડાંગાવાડી વિસ્તાર તથા મંડોરણા ગીર ગામે એરટેલ ટાવર ચોકમાં હિંસક દિપડાઓની અવર-જવર વધી હતી. તેને લઈ ગ્રામજનોએ કરેલી રજૂઆત બાદ હિંસક દીપડાઓને પાંજરે પુરવા માટે વનવિભાગના આંકોલવાડી રેન્જના બામણાસા રાઉન્ડના ફોરેસ્ટર ભરત ધ્રાંગડ તથા સ્ટાફે દીપડાના અવર-જવર વિસ્તારોમાં પાંજરા ગોઠવી કવાયત હાથ ધરાઈ હતી. જે પાંજરોઓમાં છેલ્લા બે દિવસમાં ત્રણ હિંસક દિપડાઓ પાંજરે પુરતા ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોને રાહત થઈ છે.
વન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આંકોલવાડી અને મંડોરણા ગીરના લોકો અને શેરડીના વાડ તથા કેસર કેરીના આંબાના બગીચામાં કામગીરી ચાલતી હોવાથી હિંસક દીપડાઓ કોઈ નુક્સાન કરે નહિ માટે દીપડાઓ પકડવા આંકોલવાડી રેન્જમાં ગ્રામજનોની રજુઆત મળી હતી. જે અંતર્ગત ત્રણેય સ્થળો ઉપર પાંજરા ગોઠવી બે દિવસ દરમિયાન ત્રણેય દીપડાને પકડી પાડવામાં આવ્યાં છે. પકડાયેલા ત્રણેય દીપડાને નજીકના જામવાળા ખાતેના રેસ્કયુ સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યા છે. ત્રણેય દીપડા પકડાઈ જતા ગ્રામીણ પ્રજા તથા ખેડુતોને રાહત મળી છે.