Site icon Revoi.in

રાજકોટમાં કરોડો રૂપિયા ખર્યા બાદ વગર વરસાદે રોડ પર ઠેર ઠેર પડ્યા ખાડાં

Social Share

રાજકોટઃ ગુજરાતમાં નવા નક્કોર ઓવરબ્રિજ તેમજ નવા બનાવેલા રોડ-રસ્તાઓ તૂટી જવાના બનાવો વધી રહ્યા છે. જ્યારે રાજકોટ શહેરમાં પણ સામાન્ય વરસાદ બાદ રોડ પર ઠેર ઠેર ખાડાં પડી ગયા છે. શહેરમાં છેલ્લા બે વર્ષમાં રોડ-રસ્તાઓ પાછળ આશરે 200 કરોડ ખર્યા છે. નવા બનાવેલા રોડ બેસી જવાની કે ખાડા પડવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. જોકે, સાતમ-આઠમ બાદ વરસાદ નહીં આવે તો રસ્તાઓનું સમારકામ કરવાની ખાતરી સ્ટેન્ડિંગ ચેરમેને આપી છે.

રાજકોચ શહેરમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ઓછો વરસાદ પડ્યો છે તેમ છતાં શહેરનાં અનેક વિસ્તારમાં રોડ પર ખાડા પડી ગયા છે, જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના ગૌરવ પથ સમાન કાલાવડ રોડ તેમજ 150 ફૂટ રિંગરોડ સહિત અનેક વિસ્તારમાં મસમોટા ખાડા પડવાને કારણે વાહન લઈને નીકળવું મુશ્કેલ બન્યું છે. રાજકોટનાં સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ત્રણેય ઝોનમાં મળી રોડ-રસ્તા માટે બે વર્ષમાં રૂ. 200 કરોડથી વધુની રકમ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે તેમછતાં રસ્તાની સ્થિતિ સુધરતી નથી.

રાજકોટ શહેરના ગૌરવ પથ કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલની સામેનાં રોડ ઉપર થોડા સમય પૂર્વે પાઈપલાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. જેથી, એક તરફનો રોડ પણ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પાઈપ લાઇન નાખવાની કામગીરી પૂર્ણ થતાં ડામર રોડની કામગીરી પણ કરાઈ હતી. જોકે, તેમાં થોડો ડામર નાખીને માટી પાથરી દેવામાં આવી હતી. જેના કારણે એક વરસાદમાં રોડની સ્થિતિ બગડી હતી. જોકે હાલમાં ફરીવાર મોરમ પાથરવામાં આવી છે પરંતુ, વરસાદ પડતાં જ ફરી રોડની હાલત બગડે તેવી પૂરી શક્યતા છે. આ ઉપરાંત ગોવિંદ પાર્ક, સિલ્વર ગોલ્ડ રેસિડેન્સી, અલય પાર્ક સહિતના મહત્વના વિસ્તારને જોડતા એવા સરદાર પટેલ માર્ગની હાલત પણ દયનીય હોવાનું જોવા મળી હતી. આ રસ્તા પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે તેમ છતાં રસ્તા ઉપર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં અહીં મોરમ પાથરવાની પણ તસ્દી લેવામાં આવી નથી. અંબિકા ટાઉનશીપ અને જીવરાજ પાર્ક વિસ્તારમાં પણ રસ્તામાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. જ્યારે સ્પીડવેલ પાર્ટી પ્લોટની નજીક પણ રસ્તામાં નાના-મોટા ખાડા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત 150 ફૂટ રિંગરોડ પર રૈયા ચોકડી, રામાપીર ચોકડી અને શીતલ પાર્કથી લઈને માધાપર ચોકડી સુધી ખાડાઓ પડ્યા હતા. જોકે, તંત્ર દ્વારા આ તમામ સ્થળે પેવર બ્લોક દ્વારા ખાડાનું રીપેરીંગ કરવામાં આવતા વાહન ચાલકોને થોડી રાહત મળી છે.

#RajkotRoads #RoadRepairs #RajkotInfrastructure #SaurashtraRoads #MonsoonDamages #RajkotMunicipality #KalavadRoad #RingRoadRajkot #PotholesCrisis #RajkotDevelopment #RoadSafety #UrbanPlanning #RajkotTraffic #MunicipalFunds #GujaratRoads #PublicInfrastructure #RoadMaintenance #SaurashtraMonsoon #RajkotUrbanIssues #PotholeRepairs #RajkotUpdates