Site icon Revoi.in

દિવાળી બાદ સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડ્સ ખરીફ પાકની જણસોથી ઊભરાયાં

Social Share

રાજકોટ :  સૌરાષ્ટ્રમાં આ વર્ષે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે મગફળી અને કપાસનું બમ્પર ઉત્પાદન થયું છે. લાભપાંચમના દિવસથી સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડ અને બજારો ફરીથી ધમધમતા થતાં ખેડુતો ખરીફ પાકને વેચવા માટે આવી રહ્યા છે. ખરીફ પાકોની સીઝન બરાબર જામી છે અને કપાસ તથા મગફળી જેવી ચીજોમાં તેજી હોવાથી ઉત્સાહપૂર્વકના કામકાજ માર્કેટ યાર્ડમાં થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રભરમાં કપાસની આવક અપેક્ષા કરતા ઓછી છતાં 2.25 લાખ મણ રહી હતી. મગફળી પણ આશરે બે લાખ ગુણી આવી હતી. તેજીને લીધે ખેડૂતો માલ વેંચવા તલપાપડ છે. જોકે મગફળી અને કપાસ બન્નેના ભાવમાં ખૂલતામાં ઢીલાશ હતી. વિવિધ બજારો પણ લાભપાંચમના મુહૂર્તમાં ખૂલી ગઇ હતી.
માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ લાભપાંચમે બજાર ફરીથી ધમધમતી થતા ખરીફ પાકોની ખૂબ આવક થઇ હતી. કપાસમાં અત્યારે જોરદાર તેજી છે એટલે ખેડૂતોને નોંધપાત્ર વળતર મળી રહ્યું છે. કપાસની આવક સૌથી વધારે પ્રમાણમાં બોટાદમાં થતી હોય છે, પણ આજે 65 હજાર મણની જ આવક થઇ હતી. કપાસના ભાવ મણે રૂ. 1150-1751 સુધી બોલાતા હતા. બંધ થવા પૂર્વે કેટલાક યાર્ડમાં રૂ. 2000 સુધીના ભાવ પણ બોલાયા હતા. જોકે આજે ભાવ રૂ. 20થી 50 જેટલા તૂટી જવા પામ્યા  હતા. છતાં પાછલા વર્ષથી ઘણો સારો ભાવ ખેડૂતોને મળી રહ્યો હોવાથી વેચવાલી આવ્યા કરે છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કપાસની સૌથી વધારે આવક બોટાદ યાર્ડમાં આશરે 65 હજાર મણની થઇ હતી. દિવાળી પૂર્વે યાર્ડમાં આશરે 1 લાખ મણ કપાસ આવી રહ્યો હતો. ગોંડલમાં 32 હજાર અને રાજકોટમાં 30 હજાર મણ કપાસની આવક થઇ હતી. હળવદમાં 21 હજાર મણ કપાસ આવ્યો હતો. આવતીકાલે માર્કેટ યાર્ડ ચાલુ છે પણ પછી ફરી જલારામ જયંતીની રજા આવી રહી હોવાથી આવક કપાશે. આમ નિયમિત આવક સોમવારથી થશે અને આવકમાં પણ મોટો વધારો થવાની ધારણા છે.
મગફળીની આવક પણ ખૂલતામાં ખૂબ સારી થતા કુલ 2 લાખ ગુણીનો પુરવઠો આવ્યો હતો. સરકારે ટેકાના ભાવથી ખરીદી શરૂ કરી છે પરંતુ તેમાં કોઇ પ્રતિસાદ નથી. યાર્ડમાં ઉંચા ભાવ મળી રહ્યા હોવાથી યાર્ડમાં ખેડૂતો આવી રહ્યા છે. ગોંડલમાં આશરે દોઢ લાખ ગુણીની આવક થઇ હતી. રાજકોટમાં 50 હજાર ગુણી મગફળી આવી હતી. મગફળીનો સરેરાશ ભાવ ઝીણીમાં રૂ.800-1156 અને જાડીમાં રૂ. 750-1196 હતો.