દિવાળી પછી દિલ્હીમાં ધુમાડાના ગોટેગોટા, AQI ફરી ખરાબ સ્તરે પહોંચ્યો
દિલ્હી: રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રદૂષણને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદે રાજધાનીને પ્રદૂષણથી થોડી રાહત આપી હતી, પરંતુ હવે દિવાળી પછી આ વિસ્તારની હવાની ગુણવત્તા ફરી એકવાર ગંભીર સ્તરે પહોંચી ગઈ છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર ફરીથી ધુમાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોને ફરી એકવાર ઘરની બહાર નીકળવા પર અને શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સમગ્ર દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘ખરાબ’ શ્રેણીમાં છે. આ વિસ્તારનો AQI આનંદ વિહારમાં 296, આરકે પુરમમાં 290, પંજાબી બાગમાં 280 અને ITOમાં 263 હતો. દિવાળીના બીજા દિવસે સવારે દિલ્હી એનસીઆરના ઘણા વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટ અને દિલ્હી સરકાર દ્વારા ફટાકડા પર પ્રતિબંધ હોવા છતાં રાજધાની દિલ્હીમાં ઘણી જગ્યાએ ફટાકડા ફોડવામાં આવે છે. શાહપુર જાટ અને હૌજ ખાસ વિસ્તારો સહિત રાજધાનીના ઘણા વિસ્તારોમાં પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જો કે ગયા વર્ષ પર નજર કરીએ તો આ વખતે ઓછા ફટાકડા ફોડવામાં આવ્યા છે.
દિલ્હી ફાયર બ્રિગેડને દિવાળીની સાંજે આગની ઘટનાના કુલ 100 કોલ મળ્યા છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. દિલ્હી ફાયર બ્રિગેડના વડા અતુલ ગર્ગે જણાવ્યું હતું કે સાંજે 6 વાગ્યાથી 10.45 વાગ્યા સુધી નાના, મધ્યમ અને મોટા આગ સંબંધિત કોલની સંખ્યા 100 છે. અમારી ટીમ સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.