Site icon Revoi.in

ડોડા બાદ કુપવાડામાં ભારતીય સેનાએ ઓપરેશન શરૂ કરીને આતંકવાદીઓને ધેર્યાં

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ વિભાગના ડોડા જિલ્લા બાદ હવે કાશ્મીરના ઉત્તરીય ક્ષેત્રમાં કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. ગુરુવારે સરહદી વિસ્તાર કેરનમાં ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા (LOC) પાસે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. આર્મીના 6 આરઆર અને પોલીસના એસઓજીના જવાનો સ્થળ પર તૈનાત છે. તેમજ બંને તરફથી ધાણીફુટ ગોળીબાર થયો હતો.

ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં હવામાન બગડ્યું હતું. અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેના કારણે ડુંગરાળ વિસ્તારો ધુમ્મસથી ઘેરાયેલા છે. આ દરમિયાન સુરક્ષા દળોએ આતંકીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. બીજી તરફ ડોડામાં પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પ્રતિકૂળ હવામાન વચ્ચે સમયાંતરે ગોળીબાર થઈ રહ્યો છે. ડોડામાં સોમવારથી આતંકીઓને શોધવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. ચાર દિવસમાં ડોડામાં આ ત્રીજુ એન્કાઉન્ટર છે, પરંતુ સુરક્ષા દળોને હજુ સુધી સફળતા મળી નથી. ગાઢ જંગલો, ઉંચા પહાડો અને ખરાબ હવામાન સુરક્ષા દળો માટે એક પડકાર છે, પરંતુ સૈનિકો અડગ ઊભા છે. એક અધિકારીએ કહ્યું કે ટૂંક સમયમાં આતંકીઓનો ખાત્મો કરવામાં આવશે. રામબન-ડોડા રેન્જના ડીઆઈજી શ્રીધર પાટીલે જણાવ્યું કે, ઓપરેશન હજુ ચાલુ છે. તે ટૂંક સમયમાં પૂર્ણ થશે.

ડોડાના કાસ્તીગઢ વિસ્તારમાં સવારે 2 વાગ્યાની આસપાસ થયેલા એન્કાઉન્ટરમાં બે જવાન ઘાયલ થયા હતા. સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેને કમાન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની અહીં સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન સેનાને રાત્રે શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી. તાત્કાલિક શોધખોળ દરમિયાન, આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત થયો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું છે. તેમણે કહ્યું કે પ્રારંભિક ગોળીબારમાં સેનાના બે જવાન ઘાયલ થયા છે.