નવી દિલ્હીઃ ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખમેનીએ, હેલિકોપ્ટર દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના મૃત્યુ પર દેશમાં પાંચ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તેમણે વચગાળાના પ્રમુખ તરીકે મોહમ્મદ મોખબરની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. વિશ્વના અગ્રણી નેતાઓએ રાયસીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ છે.
વડાપ્રધાન મોદીએ એક્સ હેન્ડલ પર જાહેર કરેલા તેમના શોક સંદેશમાં કહ્યું છે કે, ભારત દુ:ખની આ ઘડીમાં ઈરાનની સાથે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે, “ઈસ્લામિક રિપબ્લિક ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. સૈયદ ઈબ્રાહિમ રાયસીના દુઃખદ અવસાનથી ખૂબ જ દુઃખી અને આઘાત લાગ્યો છે. ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી દિલથી સંવેદના. આ દુખની ઘડીમાં ભારત, ઈરાનની સાથે છે.”
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ સવારે અઝરબૈજાનની પહાડીઓમાંથી મળી આવ્યો હતો. રાષ્ટ્રપતિની સાથે હેલિકોપ્ટરમાં ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયન સહિત નવ લોકો સવાર હતા. રાયસી 19 મેના રોજ સવારે ડેમનું ઉદ્ઘાટન કરવા માટે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ સાથે ગયા હતા. પરત ફરતી વખતે, આ દુર્ઘટના અઝરબૈજાનની સરહદ નજીક ઈરાનના વરઝેઘાન શહેરમાં થઈ હતી. તેમનું હેલિકોપ્ટર રવિવારે સાંજે 7:30 વાગ્યે અઝરબૈજાન નજીક ગુમ થયું હતું.
હેલિકોપ્ટરમાં પ્રમુખ રાયસી ઉપરાંત વિદેશ મંત્રી હુસૈન, પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલિક રહેમતી, તબરીઝના ઇમામ મોહમ્મદ અલી અલીહાશેમ, એક પાઇલટ, સહ-પાયલટ, ક્રૂ ચીફ, સુરક્ષા વડા અને અંગરક્ષક સવાર હતા. ઈરાનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશનના વડા મોહમ્મદ હસન નામીએ જણાવ્યું હતું કે,” રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી અને તેમના પ્રતિનિધિમંડળના સભ્યોના મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. ડીએનએ ટેસ્ટ કરાવવાની જરૂર નથી.”