રાજકોટઃ જિલ્લાના જસદણ નજીક આવેલા સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ છેલ્લા 8 દિવસથી વિવાદનું કેન્દ્ર બન્યું હતું. ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના નાયબ કલેકટર રાજેશ આલ દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે રૂ.351ની પહોંચ ફડાવવી પડશે. એવો હુકમ જાહેર કર્યો હતો. 8 દિવસ સુધી શિવભક્તોએ કરેલા વિરોધ બાદ અંતે મંદિરના ટ્રસ્ટે લોકોની આસ્થા સામે ઝૂક્યું છે. નાયબ ક્લેક્ટરે જળાભિષેક માટેનો ચાર્જ વસુલવાનો નિર્ણય પરત લેવાની ફરજ પડી છે. આ મામલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. કે, ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં ભગવાનને જળ અભિષેક કરવા માટે રૂપિયા 350ની વસુલાત કરવામાં આવે છે તે બાબતે રદીયો આપવામાં આવે છે.જળ અભિષેક કરવાનો કોઈ ચાર્જ નથી.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ઘેલા સોમનાથનું મહત્વ અને માહત્મ્ય સોમનાથ જ્યોતિર્લિંગ જેટલું જ અનન્ય છે. બારેમાસ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોની ભીડ રહેતી હોય છે અને દાદાને ભાવિકો દ્વારા જળાભિષેક સહિત પૂજા-અર્ચના કરવામાં આવે છે. ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના નાયબ કલેકટર દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે રૂ.351ની પહોંચ ફડાવવી પડશેનું બોર્ડ લગાવવામાં આવતા શિવભકતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જો કે આ નિર્ણયથી હવે તંત્ર વિરુદ્ધની જંગમાં શિવભક્તોની જીત થઈ હોવાનું ભક્તો જણાવી રહ્યા છે.
જયારે ચાર્જ વાસુવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે જસદણના નાયબ ક્લેક્ટર રાજેશ આલે જણાવ્યું હતું. જળાભિષેક માટે 351 રૂપિયા ચૂકવવાનો આદેશ એ એક પ્રકારે ટ્રસ્ટમાં જમા કરવા બરાબર છે. અત્યાર સુધી પ્રસાદી આપવામાં આવતી નહોતી. છેલ્લા એક મહિનાથી અહીં દર્શન માટે આવતા ભક્તોને પ્રસાદી આપવામાં આવે છે. તેમજ મંદિરની સાફ-સફાઇ કરાવાઇ રહી છે. તેમજ ગાર્ડનમાં લોન વગેરે જેવા કામો કરાવ્યા છે. મંદિરમાં ધામા નાખીને બેસતા લોકો પાસેથી અમે રૂમની ચાવીઓ લઇ લીધી છે તેથી તેઓ વિરોધ કરતા રહેશે. આ દેવાધિદેવ મહાદેવાનું મંદિર છે. અહીં કોઇ એકનો ઇજારો નથી. તમામને જળાભિષેક કરવાનો હક છે. જે રકમ નક્કી કરવામાં આવી છે તે સામાન્ય લોકોને પરવડે તે રીતે નક્કી કરવામાં આવી છે. વેરાવળ સોમનાથ મંદિરમાં પણ પૂજા કરવા માટે નાણાં ચૂકવવા પડે છે. અહીં પણ જે રકમ આવશે તે યાત્રિકોની સુવિધાઓ માટે વપરાવાની છે. આ સરકાર સંચાલિત મંદિર છે અને યાત્રિકોની સુવિધા માટે અમે આ પ્રકારના નિર્ણયો લેતા હોઇએ છીએ. હું આ મંદિરનો ઉપાધ્યક્ષ અને નાયબ કલેકટર છું . તેથી મારે જ બધા નિર્ણયો કરવાના હોય છે એટલે ઉપાધ્યક્ષ તરીકે મેં જ આ નિર્ણય લીધો છે. જો કે હવે તેમણે નિર્ણય પાછો લેતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.