નવી દિલ્હીઃ અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ વર્ષ 2012ની સૌથી ચર્ચિત ફિલ્મ રહી હતી. આ ફિલ્મના બંને ભાગની દર્શકોની સાથે વિવેચકોએ પણ પ્રશંસા કરી હતી. આ ફિલ્મના દરેક પાત્રે પોતાની અગલ છાપ છોડી છે, જેની યાદી ઘણી લાંબી છે. પંકજ ત્રિપાઠીને પણ આ ફિલ્મથી મોટો બ્રેક મળ્યો છે. ફિલ્મમાં પંકજે એક ભયાનક કસાઈ સુલતાન કુરેશીની ભૂમિકા ભજવી હતી. પંકજનો રોલ દર્શકોને એટલો પસંદ આવ્યો કે રિયલ લાઈફ ગેંગસ્ટરોએ તેનો સંપર્ક શરૂ કર્યો હતો. હાલમાં જ પંકજે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. પંકજ ત્રિપાઠીની ફિલ્મ ‘મેં અટલ હું’ 19 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. તેનું દિગ્દર્શન મરાઠી સિનેમાના જાણીતા નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક રવિ જાધવે કર્યું છે. ફિલ્મની વાર્તા ઋષિ વિરમાણી અને રવિ જાધવે સંયુક્ત રીતે લખી છે.
પંકજ ત્રિપાઠી હાલ બોલિવૂડના સૌથી સફળ અને પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. હાલમાં તે તેની અપકમિંગ ફિલ્મ ‘મેં અટલ હું’ને લઈને ચર્ચામાં છે. પંકજને અનુરાગ કશ્યપની ગેંગ્સ ઓફ વાસેપુરમાં મોટો બ્રેક મળ્યો હતો. આ ફિલ્મમાં તેમણે કસાઈની ભૂમિકા ભજવી હતી, જે લોકોને ખૂબ પસંદ આવી હતી. હવે પંકજે તેની ભૂમિકા વિશે એક રસપ્રદ ખુલાસો કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં પંકજે કહ્યું હતું કે, ફિલ્મ હિટ થયા બાદ ઘણા અસલી ગેંગસ્ટરોએ મારો સંપર્ક કર્યો હતો. તે સમયે ઉત્તર અને દક્ષિણ ભારતના ઘણા ગુંડાઓ મને પોતાનો આદર્શ માનવા લાગ્યા હતા.
પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે, ફિલ્મમાં સુલતાન કુરેશીનું મારું પાત્ર લોકોને પસંદ આવ્યું છે. ‘આ પછી, મારી પાસે સ્ક્રિપ્ટ સંભળાવવા આવતા ઘણા લેખકો પણ ડરતા હતા. તેઓ વિચારતા હતા કે, કદાચ મારા ખિસ્સામાં છરી છે. ઘણા લેખકોને એવું પણ લાગતું કે, વાર્તા કહેતી વખતે કદાચ હું છરી કાઢી લઈશ. ઈન્ટરવ્યુમાં પંકજ ત્રિપાઠીએ રામ ગોપાલ વર્મા સાથેની તેની પ્રથમ મુલાકાત વિશે પણ જણાવ્યું હતું. ફિલ્મ અભિનેતાએ કહ્યું કે ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ મને મળવા બોલાવ્યો હતો. રામુ મારી સામે બેઠો અને મારી સામે જોવા લાગ્યા હતા. તેમણે લગભગ 15 મિનિટ મારી સામે જોયું હતું. જો કોઈ તમારી સામે 10-15 મિનિટ જોતું રહે તો સ્વાભાવિક છે કે તમને અજુગતું લાગશે અને તમને હવે ક્યાં જોવું તે ખબર નહીં પડે! પછી તેમણે મને ત્યાંથી જવાનું કહ્યું અને મને ક્યારેય પાછો બોલાવ્યો નહીં.