ઘોઘા-હજીરા બાદ હવે પીપાવાવ-મુંબઈ વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ કરાશે, 6 કલાકમાં મુંબઈ પહોચાશે
ભાવનગરઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. જળમાર્ગનો પરિવહન સેવામાં ઉપયોગ કરવામાં આવે તો સમય અને નાણાની બચત થઈ શકે તેમ છે. ઘોઘા-હજીરા વચ્ચે રો-રો ફેરી સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા અનિયમિત હોવા છતાં તેને સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે પીપાવાવ-મુંબઈ વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. જો આ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવે તો પીપાવાવથી મુંબઈ 6 કલાકમાં પહોંચી શકાશે. માલવાહક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ સારો ફાયદો થઈ શકે તેમ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઘોઘા-હજીરા વચ્ચે ચલાવવામાં આવી રહેલી રો-પેક્સ ફેરી સર્વિસ પ્રોજેક્ટ બાદ કેન્દ્ર સરકાર હવે પીપાવાવ-મુંબઇ વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવાની વિચારણા ધરાવે છે અને તેના માટે તાજેતરમાં અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો છે. પિપાવાવ-મુંબઇ વચ્ચે સડકમાર્ગનું અંતર 289 કિ.મી.નું છે અને 15 કલાકની મુસાફરી થાય છે. જ્યારે પિપાવાવ-મુંબઇ વચ્ચે જળ માર્ગનું અંતર 152 નોટિકલ માઇલ છે, જે 6 કલાકમાં જહાજ પૂર્ણ કરી શકે છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના ઉદ્યોગોને ગુજરાતમાં સડકમાર્ગે મોકલવા માટેના માલ સામાન ભરેલા ટ્રક મુંબઇથી શિપમાં ચડાવી દેવામાં આવે અને 6 કલાકમાં તે પીપાવાવ પહોંચી શકે તેમ છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં આવેલા સ્ટીલ પ્લાન્ટ, સિમેન્ટ પ્લાન્ટનો માલસામાન મહારાષ્ટ્ર, કર્ણાટક, દક્ષિણ ભારતના રાજ્યોમાં મોકલવા માટે આ સેવા આશિર્વાદ સમાન બની શકે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મુંબઈ-પીપાવાવ વચ્ચે રો-પેક્સ જહાજની સેવા શરૂ કરવામાં આવે તો માલ પરિવહનની સાથો-સાથ મુસાફરોનું પણ આસાનીથી પરિવહન થઇ શકે તેમ છે. કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય અગાઉ અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો છે, અને મુંબઇ ખાતે રો-પેક્સ ટર્મિનલ, જેટી પણ ઉપલબ્ધ છે. હવે પીપાવાવ ખાતે આવી સવલતો માટેની વ્યવસ્થા કરવવાની દિશામાં ડગલું આગળ વધ્યા છે.