Site icon Revoi.in

ગીરસોમનાથ બાદ જૂનાગઢમાં મેઘતાંડવ, માંગરોળમાં ધોધમાર વરસાદથી જનજીવન ખોરવાયું

Social Share

અમદાવાદઃ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગીરસોમનાથમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આભ ફાડ્યુ હોય ગીરસોમનાથના સુત્રાપાડામાં 15 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. હવે આજે જૂનાગઢમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના માંગરોળમાં ધોધમાર 11 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું હતું.

જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદને પગલે કેશોદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. માંગરોળ-કેશોદ હાઈવે ઉપર ઘુંટણસમા પાણી ભરાયાં હતા. મુશળધાર વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાતા બેટમાં ફેરવાયાં હતા. તેમજ અનેક ગામ સંપર્ક વિહોણા બન્યાં હતા. ભારે વરસાદને કારણે હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જૂનાગઢ જિલ્લાનો માંગરોળ-ચોરવાડ હાઈવે બંધ કરાયો હતો. અરેણા ગામે વરસાદી પાણી રોડ પર ફરી વળતાં હાઈવે બંધ કરાયો છે. માંગરોળની કેટલીક સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. 

વરસાદના કારણે  કારેજ ગામમાં પાણી ભરાયા છે. કારેજ ગામના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. જ્યારે માંગરોળ તાલુકાનું બામણવાળા ગામ બેટમાં ફેરવાયું છે. ભારે વરસાદથી ઘરો અને ખેતરોમાં પાણી ભરાયાં છે. વરસાદનાં લીધે વીજ સમસ્યાથી લોકો પરેશાન બન્યા છે. અનેક ગામમાં વીજપુરવઠો ખોરવાયો હતો. વરસાદને પગલે માધવનગર, જલારામ મિલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીંચાણવાળા વિસ્તારોમાં આવેલી કેટલીક દુકાનોમાં પાણી ઘૂસ્યાં છે. ભારે વરસાદને કારણે જામવાડી ગામ બેટમાં ફેરવાયું છે.  જામવાડી ગામમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદને કારણે જામવાડી ગામમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે.