નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો BCCI ના ઈનકાર બાદ હવે પાકિસ્તાને ધમકી આપી હોવાનું જાણવા મળે છે. તેમજ પાકિસ્તાન પાસેથી આ ઈવેન્ટની યજમાનીથી છીનવાઈ જવાનો ખતરો પણ ઉભો થઈ રહ્યો છે. ‘ધ ડોન’એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ટાંકીને એક અહેવાલ શેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, જો ટૂર્નામેન્ટની યજમાનીનો અધિકાર પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવે છે તો તે આવતા વર્ષે યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પોતાનું નામ પાછું ખેંચી શકે છે.
ભારતે ટીમ મોકલવાનો ઇનકાર કર્યા બાદ PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે ભવિષ્યની કાર્યવાહી અંગે ચર્ચા કરવા માટે વાતચીત શરૂ કરી હતી. પીસીબીએ પુષ્ટિ કરી હતી કે ભારતે આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાની તેની અનિચ્છા અંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ને જાણ કરી છે.
ભારતીય ટીમ હાઈબ્રિડ મોડલ હેઠળ, તેની મેચો તટસ્થ સ્થળે રમશે અને બાકીની મેચો પાકિસ્તાનમાં રમાય તેવી શકયતાઓ જોવા મળી રહી છે. એશિયા કપ 2023નું પણ આ જ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, હવે ભારતના ઇનકાર બાદ, ICC આ આખી ટૂર્નામેન્ટને કોઈ અન્ય દેશમાં શિફ્ટ કરવાનું વિચારી રહી છે. પીસીબીના એક સૂત્રએ ડૉનને કહ્યું, ‘જો ટૂર્નામેન્ટ શિફ્ટ કરવામાં આવે તો પાકિસ્તાન સરકાર પીસીબીને ટૂર્નામેન્ટમાં રમવાનો ઇનકાર કરવા માટે કહી રહી છે.’ પાકિસ્તાન સરકાર આ મુદ્દાને ગંભીરતાથી જોઈ રહી છે.