દિલ્હીઃ- ખાલિસ્તાની નેતા નિજ્જરની કેનેડામાં હત્યા બાદ કેનેડાએ લગાવેલા ભારત પર આરોપથી બન્ને દેશો વચ્ચે તણાવ જોવા મળ્યો હતો, કેનેડાના આ આરોપને લઈને ભારતે કેનેડાની સખ્ત નિંદા કરી હતી અને અનેક કડક તાત્કાલિક નિર્ણયો પણ લીઘા હતા ત્યાર બાદ જાણે હવે કેનેડાને ભાન આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે કેનેડાના રક્ષા મંત્રીએ કેનેડા અને ભારતના સંબંઘોને ખાસ મહત્વપૂર્ણ ગણાવ્યા છે.કેનેડાના સંરક્ષણ પ્રધાન બિલ બ્લેરે ભારત સાથેના સંબંધોને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યા છે અને કહ્યું છે કે તેમનો દેશ ઈન્ડો-પેસિફિક સ્ટ્રેટેજી જેવી ભાગીદારી ચાલુ રાખશે.
એટલું જ નહી ભારત સાથેના સંબંઘોને લઈને બ્લેરે જણાવ્યું હતું કે ભારત સાથે મહત્વપૂર્ણ જોડાણ યથાવત્ રહેશે કારણ કે તેમનો દેશ શીખ અલગતાવાદી નેતાની હત્યાની તપાસ કરી રહ્યો છે.મીડિયાને આપેલા ઈન્ટર્વ્યૂમાં બ્લેરે કહ્યું હતું કે ‘અમે સમજીએ છીએ કે ભારત સાથેના અમારા સંબંધોના સંબંધમાં આ એક પડકારજનક મુદ્દો હોઈ શકે છે અને તે સાબિત થયું છે. પરંતુ તે જ સમયે, કાયદાનું રક્ષણ કરવાની અમારી જવાબદારી છે.
આ સાથે જ બ્લેરે કહ્યું કે જો કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યા સાબિત થાય છે તો તે આપણા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન હશે. કેનેડા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ ચિંતાનો વિષય છે. બ્લેરે કહ્યું કે કેનેડા માટે ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના હજુ પણ મહત્વપૂર્ણ છે. જેના કારણે આ વિસ્તારમાં સૈન્યની હાજરી વધી છે. ફોરવર્ડ પેટ્રોલિંગ ક્ષમતાઓ માટે પ્રતિબદ્ધતા વધી છે. મંત્રીએ કહ્યું કે કેનેડા આગામી પાંચ વર્ષમાં લશ્કરી કામગીરી માટે $2.3 બિલિયન ખર્ચ કરશે. તેમાંથી $492.9 મિલિયન ઈન્ડો-પેસિફિકમાં નેવલ પેટ્રોલિંગ માટે ખર્ચવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે એક ટોચના અમેરિકી રાજદ્વારીએરવિવારના રોજ જણાવ્યું હતું કે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારત પરના મોટા આરોપો પાછળનું કારણ ફાઈવ આઈઝ એલાયન્સ વચ્ચે વહેંચાયેલી ગુપ્ત માહિતી હતી. અમેરિકાએ પહેલીવાર સ્વીકાર્યું છે કે ફાઈવ આઈઝ એલાયન્સ સાથે ગુપ્ત માહિતી શેર કરવામાં આવી હતી. આ કારણસર કેનેડાના પીએમએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાના વાંધાજનક આક્ષેપો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ફાઈવ આઈઝ એક ઈન્ટેલિજન્સ એલાયન્સ છે, જેમાં અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિત પાંચ દેશ સામેલ છે.