ઈંદ્રલોક બાદ દિલ્હીના વધુ એક ક્ષેત્રમાં તણાવ, પયગંબર મોહમ્મદ પર વિવાદીત ટીપ્પણીથી બગડયો માહોલ
નવી દિલ્હી: દિલ્હીના ઈંદ્રલોક વિસ્તારમાં નમાજીઓને લાત મારવાની ઘટનાને લઈને બબાલ થયા બાદ વધુ એ વિસ્તારમાં તણાવ પેદા થયો છે. પયગમ્બર મોહમ્મદ પર વિવાદીત ટીપ્પણીનો વીડિયો વાયરલ થયા બાદ માહોલ બગડયો છે. રાજધાની નવી દિલ્હીના ઝડૌદાના મિલન વિહારમાં તણાવને જોતા પોલીસ અને પેરામિલિટ્રીના જવાન તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસ આરોપીની ધરપકડની કોશિશ કરી રહી છે.
આ વિસ્તારમાં એક વીડિયો વાયરલ થયો હતો અને તેમાં પયગમ્બર મોહમ્મદ પર વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આને લઈને તણાવની સ્થિતિ સર્જાય છે. જે યુવક પર આરોપ લાગી રહ્યો છે, તે હાલ ફરાર છે. પોલીસે મામલો નોંધીને આરોપીની તલાશમાં ઝડપ વધારી છે. પરિસ્થિતિ ખરાબ થાય નહીં તેના માટે વિસ્તારમાં સુરક્ષા વધારી દેવાય છે.
દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના ઝડૌદા ગામમાં વીડિયો વાયરલ થયા બાદ પોલીસે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે. પોલીસની સાથે પેરામિલિટ્રી ફોર્સના જવાનો પણ તહેનાત કરવામાં આવ્યા છે. અફવાઓ પર નજર રાખવા માટે ઈન્ટેલિજન્સ નેટવર્ક પણ એલર્ટ મોડમાં છે. પોલીસે મુસ્લિમ સમુદાયના કેટલાક અગ્રણીઓ સાથે વાત કરી છે અને વિસ્તારમાં શાંતિ તથા વ્યવસ્થા જાળવવા માટે તેમનો પણ સહયોગ લેવાય રહ્યો છે. પોલીસે કહ્યું છે કે આરોપીને જલ્દીથી એરેસ્ટ કરીને કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન નહીં આપવાની અપીલ કરી છે.
આ વીડિયો એવા સમયે વાયરલ થયો છે કે જ્યારે 8મી માર્ચે દિલ્હીના ઈંદ્રલોકમાં નમાજીઓને લાત મારવાના કારણે વિવાદ પેદા થયો હતો. પોલીસે તાત્કાલિક આરોપી પોલીસકર્મીને સસ્પેન્ડ કરીને સ્થિતિ સંભાળી હતી. વિસ્તારમાં ઘણાં દિવસ સુધી સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત રખાયો હતો. હવે પયગમ્બર મોહમ્મદ પર ટીપ્પણીવાળા આ વીડિયોએ સુરક્ષાદળોને ફરીથી હાઈએલર્ટ મોડમાં મૂકી દીધા છે.