નવી દિલ્હીઃ નવા વર્ષના પ્રારંભે જ જાપાનમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જાપાનમાં હજુ ભયાનક સ્થિતિ યથાવત છે. દરમિયાન આજે મ્યાનમાંરની ધરા ધ્રુજવાની ઘટના બની હતી. જેના કારણે હવે મ્યાનમારની પ્રજામાં ભુકંપનો ભય ફેલાયો છે. ભૂકંપમાં જાનહાનીને લઈને કોઈ વિગતો સામે આવી નથી. જો કે, ભૂકંપની તીવ્રતા 4ની આસપાસની હોવાથી મોટી જાનહાની થવાની શકયતાઓ નહીવત છે.
જાપાન બાદ મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મ્યાનમારમાં 2 જાન્યુઆરીએ 3:15 મિનિટ 53 સેકન્ડે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 85 કિલોમીટર નીચે હતું. સોમવારે, નવા વર્ષના દિવસે, જાપાનમાં 150 થી વધુ ભૂકંપ આવ્યા. આ પછી દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. જાપાનમાં ભૂકંપના કારણે 8 લોકોના મોત થયા છે. સ્થાનિક અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આગામી સમયમાં મૃત્યુઆંક વધી શકે છે.
ધરતીની નીચે બે પ્લેટ અથડાવાથી ભૂકંપ આવે છે. સામાન્ય રીતે ધરતીકંપ ત્યારે આવે છે જ્યારે પૃથ્વીની નીચે વર્ષોથી દટાયેલી ઉર્જા બહાર આવવા લાગે છે, આ ક્રમમાં પૃથ્વીની નીચે રહેલા ખડકો એકબીજા સાથે અથડાય છે અને પૃથ્વી ધ્રૂજે છે. જો કે, ઘણા વૈજ્ઞાનિકો ધરતીકંપની વધતી ઘટનાઓને ગ્લોબલ વોર્મિંગ સાથે જોડે છે. તેમનું માનવું છે કે પૃથ્વીના વાતાવરણનું તાપમાન સતત વધી રહ્યું છે અને તેના કારણે પૃથ્વીની નીચે રહેલા વાયુઓનું તાપમાન પણ વધી રહ્યું છે અને ભૂકંપ આવી રહ્યા છે. જોકે ભૂકંપ એ કુદરતી ઘટના છે. મતલબ કે આનું કારણ માત્ર ગ્લોબલ વોર્મિંગ ન હોઈ શકે, ઘણી વખત બે ખંડોની પ્લેટો (જે ભૂતકાળમાં એકબીજાથી અલગ થઈ ગઈ હતી)ની અથડામણને કારણે ભૂકંપ આવે છે.