Site icon Revoi.in

રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિયોની કેસરિયા રેલી બાદ રૂપાલાના સમર્થનમાં ભાજપની બાઈક રેલી યોજાઈ

Social Share

રાજકોટઃ લોકસભાની ચૂંટણી માટે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગણી કરી રહ્યો છે. જ્યારે ભાજપ રૂપાલાને બદલવા માગતી નથી. દરમિયાન શહેરમાં રૂપાલાના વિરોધમાં રાજપૂત સમજની કોર કમિટીની બેઠક મળી હતી. ત્યારબાદ સાંજે મહારેલીનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા હતા. જ્યારે રૂપાલાના સમર્થનમાં ભાજપની બાઈક રેલી યોજવામાં આવી હતી. પુરુષોત્તમ રૂપાલાએ બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. જે બાદ પોતે પણ આ રેલીમાં જોડાયા હતાં. જેમાં તેમણે બુલેટ બાઇક ચલાવ્યું હતું અને તેમની પાછળ પૂર્વ મુખ્યમંત્રી વિયજ રૂપાણી ભાજપના ઝંડા સાથે બેસ્યા હતાં.

રાજકોટમાં શનિવારે સાંજે બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. ભાઈઓ કેસરી સાફા અને બહેનો કેસરી સાડી પહેરી રેલીમાં જોડાયા હતા. કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ મહારેલીમાં ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબા પણ જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, હજી પણ ઉગ્રતા વધતી જશે. બીજી તરફ પદ્મિનીબા ઢળી પડતા સિવિલમાં સારવાર હેતુસર ખસેડાયા હતા.

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદનથી રાજ્યભરમાં વિરોધ ચાલી રહ્યો છે. શનિવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક બાદ ક્ષત્રિય સમાજની વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ વિરોધ વચ્ચે રૂપાલાના સમર્થનમાં યુવા ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલીનો પ્રારંભ માધાપર ચોકડીથી કરાયો હતો.  રૂપાલાએ બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. જે બાદ પોતે પણ આ રેલીમાં જોડાયા હતાં. જેમાં તેમણે બુલેટ બાઇક ચલાવ્યું હતું અને તેમની પાછળ પૂર્વ મુખ્યમંત્રી વિયજ રૂપાણી ભાજપના ઝંડા સાથે બેસ્યા હતાં. યુવા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં બાઈક સાથે રેલીમાં જોડાયા હતા. આ રેલી બાદ 8 વાગ્યે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, હોટલ પ્લેટીનમ, જવાહર રોડ, ચૌધરી હાઈસ્કૂલની આગળ ઠાકર લોજની બાજુમાં ભાજપનો સેમિનાર અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો.