Site icon Revoi.in

ગુજરાતમાં ગત સપ્તાહમાં 18 IASની બદલી બાદ વધુ 10 અધિકારીઓની સાગમટે બદલીઓ,

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ બદલીઓની મૌસમ ચાલી રહી છે. ગત સપ્તાહમાં આઈએએસ અને આઈપીએસની બદલીઓનો ગંજીપો ચીપવામાં આવ્યો હતો.  જેમાં 18 જેટલાં આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત આઠ આઈપીએસ અધિકારીઓની પણ બદલી કરવામાં કરવામાં આવી હતી. ત્યારે હવે બીજા રાઉન્ડમાં વધુ 10 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં કલેક્ટરોનો સમાવેશ પણ થાય છે.

રાજ્યમાં આઈએએસ અધિકારીઓનો  બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે.  વહીવટી વિભાગ દ્વારા ફરી ગુજરાતનાં 10 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ તમામ બદલીઓ રાજ્યપાલના આદેશથી જીએડીના કમલ દયાની દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્યના 10 IAS અધિકારીઓની સાગમટે બદલી કરાઈ છે. જેમાં રત્નાકંવરની સાબરકાંઠાના કલેક્ટર તરીકે તેમજ  સુજીત કુમારની ભાવનગરના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે નિમણૂકં કરાઈ છે. શ્વેતા તિઓટીયાની ગુજરાત ઉર્જા વિકાસ નિગમના ડાયરેક્ટર(એડમિનિસ્ટ્રેશન) તરીકે તથા કે.ડી. લાખાણીની લેબર ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત એસ.કે. મોદીને નર્મદાના કલેક્ટર,  એન.એન. દવેને વલસાડના કલેક્ટર, અને એસ.ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. જ્યારે એન.વી.ઉપાધ્યાયને કો-ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રાર બનાવવામાં આવ્યા છે. તેમજ લલિત નારાયણસિંઘની સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમની પાસે ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ્સ ડેવલપમેન્ટના એમ.ડી. તરીકેનો વધારાનો હવાલો પણ રહેશે. તથા બી.જે. પટેલને ગાંધીનગરના વિકાસ કમિશ્નર બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ગત 31 જુલાઈ 2024ના રોજ 18 આઈએએસની બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે વધુ 10 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.