Site icon Revoi.in

ગુજરાતમાં ટમેટાએ રડાવ્યા બાદ હવે ડુંગળીના ભાવ પણ આંખમાંથી પાણી લાવી દેશે

Social Share

અમદાવાદઃ મોંધવારી દિન પ્રતિદિન વધતી જાય છે. જેમાં શાકભાજીના ભાવ દરેક પરિવારને અસર કરતા હોય છે. તાજેતરમાં ટમેટાંના આસમાને પહોંચેલા ભાવે ગૃહિણીઓને રડાવી દીધી હતી. હવે ટમેટાંના ભાવમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. ત્યાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આંખમાંથી પાણી લાવી દેશે, કેન્દ્ર સરકારે ડુગળીના ભાવ અંકૂશમાં રાખવા માટે નિકાસ પર 40 ટકા ડ્યુટી લાદીને સરકારે પોતાના કબજામાં રહેલો ડુંગળીનો બફર સ્ટોક છૂટો કર્યો છે. આમ છતાંયે ડુંગળીના ભાવ વધી રહ્યા છે.

ગુજરાતમાં તાજેતરમાં ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા હતા. સસ્તામાં મળતા ટામેટાના ભાવ 150થી લઈને 250 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા હતા. જેના કારણે ખાદ્ય ફુગાવામાં પણ વધારો જોવા મળ્યો હતો. ત્યારબાદ સરકારી એજન્સીઓ દ્વારા લોકોને સસ્તા ભાવે ટામેટા ઉપલબ્ધ કરાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. હવે ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોની અંદર આવી ગયા છે. પરંતુ હવે ડુંગળીના ભાવ વધવા લાગ્યા છે.  ટામેટા બાદ હવે ડુંગળીમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. હાલ ડુંગળી કિલો દીઠ 10-15 રૂપિયા મોંઘી વેચાઈ રહી છે. સામાન્ય રીતે જે ડુંગળી 20-25 રૂપિયા કિલો વેચાય છે તે હાલમાં 30-40 રૂપિયા કિલો વેચાઈ રહી છે. જો કે ડુંગળીના વધતા ભાવ સામે કેન્દ્ર સરકારે આગોતરું આયોજન હાથ ધર્યું છે. ડુંગળી વિદેશમાં નિકાસ ન થાય તે માટે 40 ટકા ડ્યુટી લાદવામાં આવી છે.

રાજ્યના માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં જૂન અને જુલાઈ મહિનામાં ખુબ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે. વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થતાં તેની આવક પણ ઘટી છે. બીજીતરફ માર્કેટમાં ડુંગળીની સામાન્ય માંગ યથાવત રહેતા ડુંગળીની માંગ અને પુરવઠા વચ્ચે અછત સર્જાય છે. ડુંગળીની આવક ઘટવાને કારણે તેના ભાવમાં વધારો થઈ રહ્યો છે.  સામાન્ય રીતે ગુજરાતમાં ડુંગળી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી પહોંચે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, ગોંડલ, જામ જોધપુર, ધોરાજીથી આવતી ડુંગળીના પાકને નુકશાન થતા આવકમાં ઘટાડો થયો છે. પરિણામે હાલ રસોડા સુધી જે ડુંગળી પહોંચી રહી છે તે મહારાષ્ટ્રના સાકરી, ધુલીયા, પિમ્પલનેર, નાસિક અને પુનાથી ડુંગળીની આવક આવી રહી છે. આ સિવાય મધ્યપ્રદેશથી પણ ડુંગળી આવી રહી છે. પરિણામે ટ્રાન્સપોર્ટ અને અન્ય ખર્ચ વધતા  તેની સીધી ડુંગળીના ભાવ પર પડી છે.