મોઢેરા બાદ હવે દ્વારકાને સોલાર વિજળીથી ઝળહળતું કરાશે, હાલ વાર્ષિક 2 કરોડ યુનિટનો વપરાશ
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાને લીધે તાપમાનમાં વધારો થતાં વીજળીની માગમાં ખાસ્સો વધારો થઈ રહ્યો છે. સરકારે પરંપરાગત ઊર્જા સ્ત્રોતમાંથી વીજળી મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્ય સરકારે મહેસાણા જિલ્લાના મોઢેરા ગામને સોલાર વિલેજ બનાવ્યું છે. ને સૂર્ય ઊર્જાથી મોઢેરા ગામ ઝળહળી ઉઠ્યુ છે. હવે મોઢેરા બાદ કૃષ્ણભૂમિ દ્વારકાને સંપૂર્ણ સોલારનગર બનાવાશે. યાત્રાધામ દ્વારકા સોલાર ઊર્જાથી ઝળહળી ઊઠશે. પશ્ર્ચીમ ગુજરાત વીજ કંપની (પીજીવીસીએલ) દ્વારા પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે અને કેટલા યુનિટ સોલાર વિજળી ઉત્પન્ન થઈ શકે તેનુ આંકલન કરવામાં આવી રહ્યું છે. સૂર્યમંદિર માટે વિખ્યાત મોઢેરા હાલ દેશનું એકમાત્ર એવુ શહેર છે જયાં સૌર ઉર્જા થકી વીજળી પુરી પાડવામાં આવે છે. ઓકટોબર 2022માં આ પ્રોજેકટ લાગુ થયો હતો. હવે સરકારે દ્વારકાને સોલાર વિજળી પુરી પાડવા તૈયારી શરૂ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દ્વારકા વિખ્યાત યાત્રાધામ છે અને લાખો લોકો ભગવાન કૃષ્ણના દર્શને આવે છે. સાથોસાથ નજીકના શિવરાજપુર બીચનું આકર્ષણ વધ્યુ હોય તેમ ત્યાં પણ પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. દ્વારકામાં 200 જેટલી હોટલો તથા ધર્મશાળાઓ છે જયાં પ્રવાસીઓ રોકાણ કરતા હોય છે. દ્વારકાનો વાર્ષિક વીજ વપરાશ બે કરોડ યુનિટનો છે, અને ત્યાં સોલારથી આટલુ વીજ ઉત્પાદન શકય બને તો શહેરને ‘સોલાર પાવર્ડ ટાઉન’ ઘોષિત કરી શકાય તેમ છે. શહેરના તમામ રહેણાંક, કોમર્શિયલ, હોટલ તથા ધર્મશાળાઓમાં સોલાર પ્રોજેકટ લગાવવાથી તે શકય બની શકે તેમ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વીજતંત્ર દ્વારા સંબંધિત પક્ષકારો સાથે શ્રેણીબદ્ધ બેઠક યોજીને સૌર ઊર્જાના ઉત્પાદન માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે. રહેણાંક વીજ જોડાણ ધરાવતા ગ્રાહકો માટે ‘સૌર્ય ગુજરાત’ સ્કીમ અમલમાં છે, અને તેમાં સબસીડી મળી શકે છે. સરકારી ઈમારતોની જવાબદારી ‘ગેડા’ સંભાળશે. પીજીવીસીએલના ચીફ એન્જિનિયરે જણાવ્યું હતું કે હોટલ તથા ધર્મશાળાઓને સસ્તા સોલાર પાવર મોડલ પર કામ કરવામાં આવી રહ્યું છે. સોલાર ઉત્પાદનની માળખાકીય સુવિધા માટે તેઓએ મૂડીરોકાણ કરવુ પડે તેમ છે.