ગુજરાતમાં નવરાત્રિ બાદ ધો. 1થી5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવાશે
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ સાવ ઘટી ગયા છે. સરકારે વિદ્યાર્તીઓના ભવિષ્યની ચિંતા કરીને ધો. 9થી12ની શાળાઓ તેમજ કોલેજોમાં આફલાઈન શિક્ષણને મંજુરી આપ્યા બાદ તા. 2જી સપ્ટેમ્બરથી ધો,6થી 8ના વર્ગો પણ ઓફલાઈન શરૂ કરવાની મંજુરી આપી દીધી છે. હવે નવરાત્રી બાદ ધો. 1થી 5ના વર્ગો શરૂ કરવાની પણ મંજુરી આપવા સરકાર વિચારણા કરી રહી છે.
રાજ્યમાં કોરાનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ સરકારે ધો. 9થી 12 અને કોલેજોને ઓફલાઈન શિક્ષણને મંજુરી આપી હતી ત્યારબાદ સરકારે જન્માષ્ટ્રમી પછી બીજી સપ્ટેમ્બરને ગુરૂવારથી ધોરણ 6થી 8માં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા શાળાઓને મંજૂરી આપી છે. કેબિનેટની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય સંદર્ભે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, કોરોનાના નિયમોના ચુસ્ત પાલન સાથે 30 હજાર શાળાઓમાં 50 ટકા કેપેસિટીમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ થશે. ઊપલા વર્ગેામાં ઓફલાઈન શિક્ષણ બાદ ઓકટોબરમાં નવરાત્રિના તહેવાર બાદ ધોરણ 1થી 5 માટે પણ કલાસરૂમમાં શિક્ષણ શરૂ કરવા સરકાર આગળ વધી રહી છે.
ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા સહિતના અનેક રાજ્યોમાં પહેલાથી જ પ્રાથમિક શાળાઓ ખૂલી ગઈ છે. સંભવિત થર્ડ વેવ પહેલા ગુજરાતમાં 18 કે તેથી વધુ વયજૂથના 4.30 કરોડ જેટલા નાગરિકોનું વેકિસનેશન થયું છે. એકાદ મહિનામાં 12થી 18 વર્ષના બાળકો માટે પણ વેકિસનેશન શરૂ થવાની શકયતાઓ વચ્ચે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં સમીક્ષા કર્યા બાદ પાંચમા ધોરણથી નીચેના કલાસરૂમ માટે શાળાઓ ખોલવાનો નિર્ણય લેવાશે.