અંબાજી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બનાસકાંઠાના પ્રવાસે આવી પહોંચ્યા હતા. અને શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરમાં માતાજીની પૂજા-અર્ચના કરીને ગબ્બરમાં મહાઆરતી કરી હતી. બનાસકાંઠાની મુલાકાત દરમિયાન વડાપ્રધાનના હસ્તે રૂ. 6909 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લોકોએ રોડની બન્ને સાઈડ પર ઊભા રહીને વડાપ્રધાન મોદીનું અભિવાદન કર્યું હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યાં છે, આ દરમિયાન વડાપ્રધાને અમદાવાદ, ભાવનગર અને સુરતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ શુક્રવારે બનાસકાંઠાની મુલાકાતે આવી પહોચ્યા હતા. અને તેમના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને બનાસકાંઠામાં આવાસ, રોડ નિર્માણ તેમજ રેલવેના કુલ 6909 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.. ઢોલ નગારા સાથે વડાપ્રધાનને આવકારવામાં આવ્યા હતા.
વડાપ્રધાનના હસ્તે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના, વિકસતી જાતિ કલ્યાણ, ડૉ. આંબેડકર આવાસ યોજના, આદિજાતિ વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કુલ 1967 કરોડના ખર્ચે બનેલા 8633 આવાસોનું ખાતમુહૂર્ત અને 53,172 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.તેમજ 124 કરોડના ખર્ચે નિર્માણ પામનારા અંબાજી બાયપાસ રોડનું ખાતમુહૂર્ત અને 85 કરોડના ખર્ચે નિર્માણ પામેલા મીઠા-થરાદ-ડીસા-લાખણી રોડનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત , મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો આદ્યશક્તિ ધામ અંબાજીથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પાંચ જેટલી ગૌશાળા અને પાંજરાપોળ સહાયની રકમ અર્પણ કરવામાં આવી હતી.
વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે,તારંગા હિલ, અંબાજી, આબુ રોડ , મહેસાણા રેલવે લાઈનનો શિલાન્યાસ થયો છે. અહીં રેલ લાઈન નાખવાનો અંગ્રેજોના સમયમાં નિર્ણય થયો હતો. પણ 100 વર્ષ સુધી ફાઈલો પડી રહી હતી. કેન્દ્ર સરકારે નવી તારંગા હિલ- આબુ રેલવે લાઇનને મંજૂરી આપી છે. તેનાથી રોજગાર નિર્માણની સાથે, નાગરિકોને પરિવહન માટે નવી સુવિધા મળશે અને વિકાસને વેગ મળશે. 2798 કરોડના ખર્ચે નિર્માણ થનારી આ બ્રોડગેજ રેલવે લાઇનનું વડાપ્રધાને ભૂમિપૂજન કર્યુ હતુ.