પાટણ બાદ હવે અમરેલીમાં પણ સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન
અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સ્થાનિક આગેવાનો અને વેપારીઓએ સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. પાટણમાં મંગળવારથી લોકડાઉનનો અમલ શરૂ થશે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ વેપારીઓ અને સ્થાનિક આગેવાનોએ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સાત દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. જેને વિવિધ વેપારી સંગઠનોએ સમર્થન જાહેર કર્યું છે. જો કે, લોકોને જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. દરમિયાન વેપારી મહામંડળ અમરેલી તેમજ ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ અમરેલી અને શહેરનાં વિવિધ વેપારી એસોસીએશન તેમજ સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા સર્વાનુમતે સ્વૈચ્છીક લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે રવિવાર રાત્રે 8 કલાકથી તા. 26/4/21 ને સોમવાર સવારનાં 6 કલાક સુધી સ્વૈચ્છીક લોકડાઉન કરવામાં આવશે.
આવશ્યક સેવાઓ જેવી કે, મેડીકલ સ્ટોર 24 કલાક ખુલ્લા રહેશે, કરીયાણાની રીટેઈલ તેમજ હોલસેલ દુકાનો, બેકરી સવારનાં 9 થી બપોરના 1 સુધી ખુલ્લી રહેશે, ફ્રૂટ તેમજ શાકભાજીની દુકાનો તેમજ હરતી ફરતી લારીઓ સવારનાં 6 કલાકથી બપોરનાં 1 કલાક સુધી ખુલ્લી રહેશે, દૂધની ડેરીઓ સવારનાં 6 થી 10 અને સાંજના 5 થી 8 સુધી ખુલ્લી રહેશે, અનાજ દળવાની ઘંટીઓ સવારનાં 8 થી બપોરનાં 1 સુધી ખુલ્લી રહેશે. આ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. આ ઉપરાંત લોકોને કામ સિવાય બહાર નહીં નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે.