પાટીદાર, કોળી અને ઠાકોર સમાજ બાદ આદિવાસી સમાજે પણ પોતાના સમાજનો મુખ્યમંત્રી બને તેવું રટણ શરૂ કર્યું
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે કેટલાક રાજકીય નેતાઓ પોતાના સમાજને અન્યાય થઈ રહ્યાનું કહીને પોતાના સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવાનું રટણ કરીને સંમેલનો યોજી રહ્યા છે. પહેલા પાટિદાર સમાજના અગ્રણીએ પોતાના સમાજનો મુખ્યમંત્રી બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારબાદ કોળી સમાજના નેતાઓએ પણ સંમેલનો યોજીને સમાજને અન્યાય કરાતો હોવાની વાત કહીને આ વખતે કાળી સમાજના નેતાને મુખ્યમંત્રીનું પદ મળે તેવી માગણી સાથે સંમેલનો યોજ્યા હતા. ઠાકોર સમાજે પણ આવી જ વાત કરીને સંમેલનો યોજ્યા હતા. હવે બાકી રહ્યું હોય તેમ આદિવાસી સમાજના નેતાઓ પણ મેદાનમાં આવ્યા છે, આદિવાસી નેતાને મુખ્યમંત્રીનું પદ મળે તો જ આદિવાસીઓને થતો અન્યાય દુર થઈ શકે તેવી માગણી કરી છે. આમ રાજકારણનું જ્ઞાતિકરણ થઈ રહ્યુ હોય તેમ લાગી રહ્યું છે. તમામ નેતાઓ પોતાના સમાજના જોરે કુદવા માટે અધીરા બની રહ્યા છે
ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે આજે આદિવાસી સમાજની સર્વદળીય બેઠક મળી હતી. આ બેઠકમાં આદિવાસી નેતા છોટુ વસાવાની આગેવાનીમાં પાટીદાર અને ઠાકોર સમાજની જેમ આદિવાસી સમાજમાંથી પણ મુખ્યમંત્રી હોવા અંગેની માંગણી કરી બંધારણ મુજબ આદિવાસીઓને તેમના હક મળી રહે તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આઝાદીના તોતેર વર્ષ થયા પછી પણ આદિવાસીઓની હાલત હદ કરતાં વધુ ખરાબ થઈ ચૂકી છે.તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આદિવાસી સમાજે એક થવાની તાતી જરૂરિયાત એવું કહીને આજરોજ આદિવાસી નેતા છોટુ વસાવાની અધ્યક્ષતામાં આદિવાસી સર્વ દળીય એકતા મંચની બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.
આ અંગે આદિવાસી નેતા છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ગુજરાતના કડવા અને લેઉવા પટેલ સમાજ ભેગા થઈને રાજકીય ભાગીદારીમાં 11 ટકા પાટીદારો અને રાજકીય શૈક્ષણિક સામાજીક આર્થિક મુદ્દાઓ બાબતે સરકાર સામે અવાજ ઉઠાવીને પાટીદાર સમાજની તાકાત બતાવવામાં આવી હતી. આ જોઈને આદિવાસી સમાજે પણ હવે એક થવાની જરૂરિયાત ઊભી થઇ છે. જો એમ નહીં કરવામાં આવે તો આવનાર પેઢી ખલાસ થઈ જશે. આદિવાસીઓના સંરક્ષિત 73 એ જમીનો સિડ્યુલ પાંચ છમાં આવતા તમામ જળ જંગલ જમીનો ઉપર કબ્જો કરી આદિવાસીઓને સરકાર દ્વારા વિસ્થાપિત કરવાનું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે. આદિવાસી એકતા સંઘની ઘણી માગણીઓ અને ઠરાવ કરવા માટે આજે અહીં એકઠા થયા છીએ વર્ષોથી સમાજનો ઉપયોગ કરી સંવિધાન દબાવી છીનવી લેવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે. જેના પગલે ગામડે ગામડે આદિવાસી સમાજના લોકોને જાગૃત કરીને સરકાર દ્વારા થતા અન્યાય બાબતે માહિતગાર કરવામાં આવશે. ઉપરાંત આદીવાસીઓના હક્કો માટે સમિતિની પણ રચના કરી સરકાર સામે લડત કરવામાં આવશે.
( ફોટોઃ સોશ્યલ મીડિયા )