નવી દિલ્હીઃ કન્યાકુમારીથી કાશ્મીર સુધી નીકળેલી કોંગ્રેસની બારત જોડો યાત્રા નવા વર્ષમાં નવા સ્વરૂપમાં ઉત્તરપ્રદેશમાં દસ્તક આપશે. 3 જાન્યુઆરીના રોજ યાત્રા ગાઝિયાબાદની લોકની બોર્ડરથી ઉત્તરપ્રદેશમાંથી પ્રવેશશે. રાહુલ ગાંધીની સાથે પદયાત્રામાં સામેલ થવા માટે વિપક્ષના નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યાં છે. સપાના પ્રમુખ અખિલેશ યાદવ, બસપાના વડા માયાવતી, આરએલડી અધ્યક્ષ જ્યંત ચૌધરી, સુભાસપાના વડા ઓમ પ્રકાશ રાજભર સહિતના વિપક્ષના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે એવુ ચર્ચાય રહ્યું કે, શું વિપક્ષના નેતાઓ આ યાત્રામાં જોડાઈને રાહુલ ગાંધીને સમર્થન આપશે. રાહુલ ગાંધીએ દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધીની સમાધી ઉપર નમન કર્યું હતું. ભાજપના પૂર્વ પીએમ અટલ બિહારી વાજપાયીજીની સમાધીએ નમન કરીને રાહુલ ગાંધીએ રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે. હવે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીએ વિપક્ષને એક કરવા ફરી માસ્ટર સ્ટોક માર્યો છે.
ઉત્તરપ્રદેશના રાજકારણમાં રાહુલ ગાંધીએ વિપક્ષી નેતાઓને ભારત જોડો યાત્રામાં જોડાવવા આમંત્રણ પાઠવતા રાજકીય ગરમાવો આવ્યો છે. રાહુલ ગાંધી તરફથી અખિલેશ, માયાવતી અને ચૌધરીને નિમંત્રણ પત્ર મોકલવામાં આવ્યું છે. હવે સપા અને બસપા રાહુલ ગાંધીના નિમંત્રણને શુ નિર્ણય કરે છે તેની ઉપર તમામની નજર મંડાયેલી છે. દરમિયાન આરેલડીએ નિર્ણય કર્યો છે કે, ચૌધરી ભારત જોડો યાત્રામાં જોડાશે નહીં, તેમનો કાર્યક્રમ પહેલાથી જ નક્કી હોવાથી તે યાત્રામાં જોડાય શકે તેમ નથી. ચૌધરી અને અખિલેશ વચ્ચે ગઠબંધન છે. જેથી ચૌધરીના આ નિર્ણય પાછલ આડકતરી રીતે અખિલેશનો દિશાનિર્દેશ હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન અખિલેશ યાદવે કોંગ્રેસ તરફથી હાલની સ્થિતિમાં કોઈ આમંત્રણ નહીં મળ્યાનો દાવો કર્યો હતો. સોમવારના સાંજના સમયે કોંગ્રેસનું આમંત્રણ બસપાના માયાવતીની ઓફિસ પહોંચી ગયું છે પરંતુ હજુ સુધી તેમણે કોઈ નિર્ણય જાહેર કર્યો નથી. જો કે, દિલ્હીમાં બસપાના સાંસદ શ્યામ સિંહ યાદવ જોડાયા હતા. જેથી માયાવતીની મંજૂરીથી જ તેઓ યાત્રામાં જોડાયાનું મનાઈ રહ્યું છે. દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા અશોક સિંહે વિપક્ષના નેતાઓ આ રેલીમાં જોડાય તેવી આશા વ્યક્ત કરી હતી.