દીકરા તરીકે ફરજ નિભાવ્યા બાદ નરેન્દ્ર મોદીએ PM તરીકે કર્તવ્ય નિભાવ્યું, પ.બંગાળમાં વિકાસના કાર્યોનું લોકાર્પણ
નવી દિલ્હીઃ અમદાવાદમાં માતા હિરાબાનું નિધન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે અમદાવાદ દોડી આવ્યાં હતા અને માતાના અંતિમ દર્શન કર્યાં હતા. તેમજ માતાની અંતિમયાત્રામાં જોડાવા ઉપરાંત મુખાગ્નિ આપી હતી. જે બાદ પરિવારજનોએ દુઃખની આ ઘડીમાં પણ પીએમ મોદીને દેશની સેવા કરવા માટે પ્રેરિત કરીને નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા વિનંતી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દીકરા તરીકેની ફરજ નિભાવ્યા બાદ સ્વસ્થ થઈને પીએમ તરીકે કર્તવ્ય નીભાવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં વંદેભારત એક્સપ્રેસને લીલીઝંડી આપવા સહિતના વિકાસ કાર્યક્રમોનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પશ્ચિમ બંગાળના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. પીએમ મોદીની રાષ્ટ્રભાવનાની રાજકીય પંડિતોની સાથે દેશની જનતા પણ પ્રશંસા કરી રહ્યાં છે.
આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કરીને હિરાબાને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્ર ભાવનાની વિપક્ષના નેતાઓએ પણ નોંધ લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોદી પરિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળને આયોજીત કાર્યક્રમ યથાવત રાખવા અપીલ કરી હતી. આમ પંચભૂતમાં માતાનો પાર્થિવ દેહ વિલિન થયા બાદ શોકમગ્ન નરેન્દ્ર મોદી માતાની સલાહને ધ્યાનમાં રાખીને ભારત માતાની સેવા માટે કર્તવ્યપથ ઉપર પરત ફર્યા હતા. હિરાબાનું નિધન થતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ, કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિતના રાજકીય આગેવાનોએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ ઉપરાંત દેશ-વિદેશના નેતાઓએ પણ હિરાબાના નિધન અંગે શોકાજંલી વ્યક્ત કરી હતી. હિરાબાના અંતિમ સંસ્કારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા.