પેટ્રોલ-ડીઝલ બાદ હવે ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચ્યા, મધ્યમ વર્ગની હાલત કફોડી
અમદાવાદઃ રાજ્યના કોરોનાના કપરા કાળમાં મોંઘવારી કુદકે ને ભૂસકે વધતી જાય છે.રાજયના 36 શહેરોમાં મીની લોકડાઉન છે. પરંતુ તેનાથી આવશ્યક ચીજોના વેપાર ધંધાને પણ અસર થઈ છે. માલખેંચની સ્થિતિ સર્જાતા ખાદ્યતેલો જેવી ચીજોમાં ભાવવધારો થયો છે. સીંગતેલ, કપાસીયાતેલ, પામોલીન જેવા ખાદ્યતેલો મોંઘા થયા છે. બે-ત્રણ દિવસથી ભાવવધારાનો દોર શરુ થયો છે. એકથી વધુ કારણ જવાબદાર છે. પેટ્રેલ અને ડિઝલના ભાવ વધારા બાદ હવે ખાદ્ય તેલના ભાવ પણ આસમાને પહોંચતા મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે.
રાજ્યમાં ખાદ્યતેલમાં ભાવ વધારા માટે વૈશ્વિકતેજી વાયદામાં ભાવવધારો તથા હાજર માલની ખેંચ ગણાવાય છે. અત્યારે મીની લોકડાઉનમાં તેલમીલો ચાલુ રાખવાની છુટ છે પરંતુ માર્કેટયાર્ડો બંધ હોવાથી કાચોમાલ મળતો નથી એટલે ઉત્પાદન થતુ નથી. ડિમાન્ડ યથાવત છે. સ્ટોક ઓછો થવા લાગતા ભાવો વધવા લાગ્યા છે. આંશિક મીની લોકડાઉનની આવશ્યક ચીજોમાં પણ હાલત કફોડી બની છે. કારણ કે કાચામાલ વિના તેલમીલો કે ઉદ્યોગો ચાલુ ન રહી શકે. માલખેંચની સ્થિતિમાં ભાવો વધે તો નફાખોરી કે સંગ્રહખોરીનો ગણગણાટ છે. ખાદ્યતેલોને લાગેવળગે છે ત્યાં સુધી માલની અછત ઉપરાંત વૈશ્વિક ટ્રેન્ડ પણ ભાગ ભજવે છે. આંશિક લોકડાઉનને વાસ્તવમાં ઉપાધી વધારી દીધી છે. શુક્રવારે સીંગતેલ દસ કિલોમાં રૂા.25નો ભાવવધારો થયો હતો. ડબ્બાનો ભાવ ફરી 2700 ભણી હોય તેમ 2680 હતા. કપાસીયા તેલ જુનો ડબ્બો પણ 2400ની સપાટીને વટાવી ગયો હતો. પામોલીનનો ડબ્બો પણ ફરી 2100ને વટાવી ગયો છે. મસ્ટર્ડ તેલના ડબ્બાનો ભાવ 2300 થયો છે.