દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થયો થયો છે. હવે માચિસ બોક્સની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. 1 ડિસેમ્બરથી માસિચ બોક્સની કિંમતમાં એક રૂપિયાનો વધારો થશે. જેથી હવે લોકોને માચિસ બોક્સ રૂ એકમાં નહીં પરંતુ બેમાં મળશે. કાચા માલની કિંમતમાં વધારાની સાથે તેનું ઉત્પાદન પણ મોંઘુ થયું હોવાથી માચિસ બોકસની કિંમતમાં વધારો કરાયો છે. જો કે, વપરાશકારોને માચિસ બોક્સમાં 36ની જગ્યાએ હવે 50 દિવાસળીઓ મળશે. નેશનલ સ્મોલ મેચબોક્સ મેન્યુફેક્ચર એસો.ના સચિવ વી સ સેતુરતિનમએ કહ્યું હતું કે, 14 વર્ષ બાદ માચિસ બોક્સની કિંમતમાં વધારો કરાયો છે. કાચા માલની કિંમતમાં વધારાના કારણે ઉત્પાદન કોસ્ટમાં વધારો થયો છે.
તેમણે વધુમાં કહ્યું કે, અમારી પાસે કિંમતમાં વધારો કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો. ઉત્પાદનની કિંમત વધવાની સાથે કાચા માલની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે. એક કિલો રેડ ફોસ્ફોરસ રૂ. 410થી વધીને 850, વેક્સ રૂ. 72થી વધી 85, પોટાશિયમ ક્લોરેટ રૂ. 68થી વધી 80, સ્પિંલંટસ રૂ. 42થી વધી 46, બહારનું બોક્સ રૂ. 42થી 55 અને અંદરનું નાનુ બોક્સ રૂ. 38થી વધીને રૂ. 48નું થયું છે. આમ કાચા માલની કિંમતમાં અનેકગણો વધારો થયો છે. ઈંધણના ભાવમાં થયેલો વધારો પણ એમાં એક કારણ છે. જેથી તા. 1લી ડિસેમ્બરથી માચિસની કિંમતમાં એક રૂપિયાનો વધારો કરાશે. છેલ્લે વર્ષ 2007માં કિંમત 50 પૈસાથી વધારીને એક રૂપિયો કરવામાં આવી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, માચિસ ઉદ્યોગ ઉપર પાંચ લાખ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતિ નિર્ભર છે. જેમાં 90 ટકા જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે. તમિલનાડુમાં સૌથી વધારે માચિસ બોક્સનો વ્યવસાય ધમધમે છે. રાજ્યના કોવિલપટ્ટી, સતૂર, શિવકાશી, થિઉરથંગલ, અટ્ટાયાપુરમ, કઝુગુમલાઈ, શંકરનકોઈલ, ગુડિયાટ્ટમ અને કાવેરીપક્કમમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે. અહીં લગભગ 1000 જેટલા એકમો ધમધમે છે.