નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત બાદ ગૂગલ સર્ચમાં ‘લક્ષદ્વીપ કીવર્ડ’એ 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આવું 20 વર્ષમાં પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વમાં લક્ષદ્વીપને ગૂગલ પર સર્ચ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ પીએમ મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને પોતાના સોશિયલ હેન્ડલ પર સુંદર ફોટા અને વીડિયો શેર કર્યા હતા. પીએમ મોદીના લક્ષદ્વીપ મુલાકાતને માલદીવના મંત્રીઓએ સોશિયલ મીડિયા ઉપર ટીપ્પણી કરી હતી. જેના પગલે વિવાદ ઉભો થયો હતો. આ વિવાદ દરમિયાન લક્ષદ્વીપ ગૂગલ સર્ચ ઉપર રેકોર્ડ સર્જોયો છે. છેલ્લા કેટલાક સમયથી પીએમ મોદીની લોકપ્રિયતા દુનિયાભરમાં છે. દરમિયાન પીએમ મોદીના લક્ષદ્વીપના દરિયાના ફોટોગ્રાફની લોકોએ પ્રશંસા કરી હતી.
માલદીવ સરકારના અધિકારીઓએ પીએમ મોદીના લક્ષદ્વીપ પ્રવાસને લઈને અપમાનજનક અને અભદ્ર ટિપ્પણીઓ કરી હતી, ત્યારબાદ માલદીવનો બૉયકોટ પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો હતો. બીજી તરફ પીએમના આ પ્રવાસ પછી લોકો આંદામાન અને નિકોબાર ટાપુઓની વસ્તી, સંસ્કૃતિ અને રેસ્ટોરાં અને હોટલ વિશે પણ ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે. લક્ષદ્વીપને લઈને ગૂગલ પર દરરોજ 1,00,000 થી વધુ સર્ચ કરવામાં આવી રહ્યા છે. માલદીવના મંત્રીઓના ટ્વીટ બાદ શરૂ થયેલા વિવાદ બાદ હજારો લોકોએ માલદીવની પોતાની યાત્રાઓ રદ્દ કરી દીધી છે. બુકિંગ સાઇટ્સ પર બુકિંગ સતત કેન્સલ થવાથી ઘણા લોકો પરેશાન છે. પીએમ મોદી અંગે માલદીવના નેતાઓએ કરેલી વાંધાજનક ટીપ્પણી બાદ બંને દેશ વચ્ચેના સંબંધ વધારે તંગ બન્યાં છે.