પંજાબ બાદ હવે ગોવા ચૂંટણીમાં AAPએ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો
મુંબઈઃ ઉત્તરપ્રદેશ, પંજાબ અને ગોવા સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ રાજ્યોની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં તાજેતરમાં પંજાબમાં જો આમ આદમી પાર્ટી જીતશે તો સાંસદ ભગવંત માનને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો હતો. હવે ગોવામાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં આવ્યો છે. ગોવામાં અમિત પાલેકરને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. વ્યવસાયે વકીલ એવા અમિત પાલેકર ગયા વર્ષે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
પાલેકર OBC ભંડારી સમુદાયના છે, જે ગોવાની કુલ વસ્તીના લગભગ 35 ટકા હિસ્સો ધરાવે છે. ઓલ્ડ ગોવા હેરિટેજ સાઈટ પર ગેરકાયદે બાંધકામના વિરોધમાં ભૂખ હડતાળને લઈને પાલેકર ચર્ચામાં આવ્યા હતા. તેમજ ગયા વર્ષે ઑક્ટોબરમાં તેઓ AAPમાં જોડાયા હતા, તેમણે પણજીમાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત પછી કેજરીવાલને ગળે લગાવ્યા હતા. આ પ્રસંગે AAP ધારાસભ્ય આતિશી પણ હાજર હતા.
AAP કન્વીનર કેજરીવાલે ટ્વિટર પર શેર કરેલા વીડિયોમાં કહ્યું, “ગોવા માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગોવાના લોકો પરિવર્તન ઈચ્છે છે. લોકો હાલના પક્ષો અને નેતાઓથી કંટાળી ગયા છે. કેટલાક નેતાઓએ ગોવાની રાજનીતિ પર ટિપ્પણી કરી છે. સત્તા પર કબજો જમાવી દીધો છે. પૈસાથી અને સત્તામાંથી પૈસા… જો સત્તામાં આવે છે, તો તેઓ ખૂબ પૈસા કમાય છે. તે પૈસાથી તેઓ સત્તામાં પાછા આવે છે. આ બદલવું પડશે. ગોવા પરિવર્તનની માંગ કરી રહ્યું છે.”
આમ આદમી પાર્ટીએ ગોવામાં તમામ 40 સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ગોવામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે. ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ ઉપરાંત મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ અને શિવસેના પણ આ વખતે ચૂંટણી લડી રહી છે.