પંજાબ બાદ હવે AAPની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઉપર નજર, કેજરિવાલ અમદાવાદની મુલાકાતે
અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શકયતા છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણીમાં ઝપલાવે તેવી શકયતા છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીતથી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસને ભારે ટક્કર આપે તેવી સંભાવના વ્યક્ત કરી રહી છે. દરમિયાન આજે આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરિવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અમદાવાદની મુલાકાતે આવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે ગુજરાત આપના નેતાઓ સાથે મીટીંગ કરી હતી. આ ઉપરાંત કેજરિવાલ અને ભગવંત માન અમદાવાદના સાબરમતી સ્થિત ગાંધી આશ્રમ ગયા હતા. જ્યાં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ ઉપરાંત અરવિંદ કેજરિવાલે ચરખો પણ ચલાવ્યો હતો. અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલ અહીં અડધો કલાક જેટલું રોકાયા હતાં. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને વિઝીટર બુકમાં ગાંધીજી અને ગાંધી આશ્રમ વિશે લખ્યું હતું.
અરવિંદ કેજરીવાલે ગાંધી આશ્રમની મુલાકાત પછી વિઝિટર બુકમાં લખ્યું કે આ આશ્રમ એક આધ્યાત્મિક સ્થળ છે. એવું પ્રતિત થાય છે કે અહીં ગાંધીજીનો આત્મા વસે છે. અહીં આવીને આધ્યાત્મિકતાની અનુભૂતિ થાય છે. હું ખુદને ધન્ય માનું છુ કે હું એ દેશમાં જન્મ્યો જે દેશમાં ગાંધીજીનો જન્મ થયો છે.