Site icon Revoi.in

સાપુતારામાં વરસાદ બાદ સોળે કળાએ ખિલ્યો કૂદરતી નયનરમ્ય નજારો, પ્રવાસીઓ ઉમટ્યાં

Social Share

આહવાઃ ડાંગ જિલ્લામાં પખવાડિયા પહેલા મેઘરાજાનું આગમન થયું હતું અને સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. ખળખળ વહેતા ઝરણાઓને નિહાળવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

ડાંગ જિલ્લામાં વરસાદ મનમુકીને વરસી રહ્યો છે.  જેના કારણે નદી-નાળા છલકાવા લાગ્યા છે. રોડ-રસ્તા અને નીચાણવાળા વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે. તો પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવો નયનરમ્ય નજારો  જોવા મળી રહ્યો છે. ચારે બાજુ લીલોતરી થઈ ગઈ છે,  સાપુતારામાં હરિયાળી ખીલી ઉઠી છે. જંગલમાં પડેલા વરસાદને કારણે પાણી ધોધને માફક બહાર વહેવા લાગ્યું છે. જંગલમાંથી પસાર થતી નદી-નાળા છલકાંતા નયનરમ્ય નજારાના દ્રશ્યો જોઈ શકાય છે. સાપુતારા હિલ સ્ટેશનનો વરસાદી માહોલને માણવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

ઠંડી પછી ગરમી, ગરમી પછી વરસાદ અને વરસાદ બાદ ફરી ઠંડી. કુદરતનું આ ઋતુચક્ર સતત ફરતું રહે છે. પરંતુ ત્રણેય ઋતુમાં ચોમાસું સૌથી મહત્વપૂર્ણ છે. ચોમાસાને પ્રકૃતિ સૌથી વધારે પસંદ કરે છે. ગરમીમાં વૃક્ષો પર પાંદડા ખરવા લાગે છે, પરંતુ ચોમાસામાં નવા પાન આવવાની શરૂઆત થાય છે. ગરમીમાં ઉજ્જડ બની ગયેલા જંગલ અને વન ચોમાસામાં ચારેબાજુથી ખીલી ઉઠે છે. સાપુતારામાં વરસાદ પછી ખીલેલી પ્રકૃતિનો નજારો કેટલો અદભૂત હોય છે તે જોઈ શકાય છે. સાપુતારામાં તો વાદળો પણ પ્રવાસીઓ સાથે વાતચીત કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ધુમ્મસીયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં જારી રહેતા પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો. સતત વરસાદી હેલી સાથે ગિરિકંદરામાં લીલીછમ વનરાઈ અને ધુમ્મસની ચાદર પથરાઈ જવાથી પ્રવાસીઓએ મીની કાશ્મીરનો અહેસાસ કર્યો હતો.