રાજકોટ અને જુનાગઢ બાદ હવે વડોદરા તથા સુરત મહાપાલિકા પણ વિપક્ષ વિનાની બને તેવી શક્યતા
અમદાવાદઃ લોકશાહીમાં વિપક્ષ જરૂરી છે. સત્તાધિશોના ખોટા નિર્ણયોનો માત્ર વિરોધ નથી કરવાનો પણ ગેરરીતિ, ભ્રષ્ટાચાર, મોંધવારી સહિતના મુદ્દાઓ ઉઠાવીને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ પણ કરવાનું છે. પરંતુ ભાજપનો એજન્ડા જ વિપક્ષને ઘડમૂળથી નેસ્ત નાબુદ કરવાનો છે. એટલે જે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં વિપક્ષની સભ્ય સંખ્યા ઓછી હોય ત્યાં વિપક્ષપદ પાછુ ખેંચવામાં આવી રહ્યું છે. જેમાં જૂનાગઢ અને રાજકોટ મહાનગર પાલિકામાંથી વિપક્ષની સુવિધા પરત ખેંચી લેવામાં આવી છે. અને કોંગ્રેસને 10 ટકા બેઠકો મળી નથી તેથી તેમને સુવિધાઓ આપવી યોગ્ય નથી તેવું કારણ દર્શાવ્યું છે. હવે વડોદરા મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસ પાસે વિપક્ષનું પદ અને સુવિધા પાછી ખેંચવામાં આવે તેવી શક્યતા છે. ત્યારબાદ સુરતમાં પણ આમ આદમી પાસેથી વિપક્ષપદ પાછું ખેંચવા હજુ આપના 5 કોર્પોરેટરોને પક્ષ પલટો કરાવાશે. અને આમ આદમીની સભ્ય સંખ્યા 10ની થઈ જતાં વિપક્ષપદ પાછું ખેંચવાની ભાજપની ગણતરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના પદ માટે કૂલ બેઠકોના 10 ટકા બેઠકો હોવી જરૂરી છે. એટલે કે, 182 ધારાસભ્યોમાં વિપક્ષ કોંગ્રેસ પાસે 18 હોવા જોઈએ તેના બદલે માત્ર 17 ધારાસભ્યો જ છે. આમ એક ધારાસભ્ય ઓછો હોવાથી કોંગ્રેસને વિપક્ષપદની સુવિધાઓ આપવામાં આવી નથી. વિધાનસભામાં ઓફિસ કે કાર, રહેઠાણ માટે બંગલો આપવામાં આવ્યો નથી. વિપક્ષના નેતાને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવતો હોય છે. અને ભૂતકાળમાં વિપક્ષની સંખ્યા ઓછા હોવા છતાં વિપક્ષનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પરંતુ ભાજપ ઉદારતા દાખવવામાં માનતું નથી. હવે નગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પણ જ્યાં કૂલ સભ્યોની સંખ્યાના 10 ટકા વિપક્ષની સંખ્યા ન હોય ત્યાં વિપક્ષપદ અને સુવિધા પરત ખેંચવામાં આવશે. જુનાગઢ અને રાજકોટમાં કોંગ્રેસ પાસે કૂલ સભ્ય સંખ્યાના 10 ટકા સભ્યો ન હોવાથી વિપક્ષપદ પાછપ ખેંચી લેવામાં આવ્યું છે. વિપક્ષની ઓફિસ અને કાર પણ પરત ખેચવામાં આવી છે. હવે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાંથી પણ વિપક્ષને અપાતી સુવીધાઓ પરત ખેંયાશે તે પ્રશ્ન લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે બંધારણ મુજબ વડોદરામાં પણ કોંગ્રેસ પાસે 10 ટકા બેઠક નથી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં બહુમતીના જોરે શાસકોએ વિરોધ પક્ષમાં બહુમતી ન હોવાથી એકપણ પક્ષને વિરોધ પક્ષનું પદ ન મળે તેવો નિર્ણય લઈને વિરોધ પક્ષનું પદ અને તેમને આપવામાં આવતી તમામ સુવિધાઓ જેમ કે, ઓફીસ, સ્ટાફ, ગાડી સહિતની સુવિધાઓ સ્થગિત કરી દીધી હતી. ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસ પાસેથી વિપક્ષના નેતાનું પદ છીનવાયુ છે. વડોદરામાં વિપક્ષને કાર ફાળવવામાં આવી નથી. પરંતુ ઓફિસ, પટાવાળા, વિપક્ષને પી. એ સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. રાજકોટ અને જૂનાગઢમાં વિપક્ષ પાસેથી સુવિધા પરત ખેંચી લેતા હવે વડોદરામાં પણ રાજકોટ અને જૂનાગઢવાળીની ભીતિ સેવાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, જૂનાગઢમાં 60 માંથી 03, રાજકોટમાં 72 માંથી 02 અને વડોદરામાં 76 માંથી 07 બેઠકો કૉંગ્રેસને મળી છે. જો બંધારણીય નિયમ મુજબ 10 ટકા બેઠકની વાત કરીએ તો વડોદરામાં કોંગ્રેસ પાસે 8 બેઠક હોવી જરૂરી છે. જેથી 7 બેઠક હોવાના કારણે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાંથી પણ કોંગ્રેસની સુવિધા બંધ કરવામાં આવે તેવું ચર્ચાઈ રહ્યું છે. ત્યારબાદ સુરતમાં આમ આદમી પાર્ટીના સભ્યોએ પક્ષપલટો કરતા હવે આમ આદમી પાર્ટી પાસે 15 સભ્યો રહ્યો છે. તેથી ભાજપ દ્વારા વધુ પાંચ સભ્યોને પક્ષ પલટો કરાવવાના પ્રયાસો ચાલી રહ્યાનું કહેવાય છે. આ ઓપરેશન સફળ થશે તો આમ આદમી પાર્ટી પાસેથી વિપક્ષનું પદ પાછુ ખેંચાશે,