નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ વધુ એક હુમલો કર્યો છે. આ વખતે આતંકવાદીઓએ ડોડા જિલ્લામાં આર્મીના ટેમ્પરરી ઓપરેટિંગ બેઝ (TOB) પર હુમલો કર્યો અને ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો, જ્યારે આતંકવાદીઓની ગોળીઓથી એક નાગરિક ઘાયલ થયો હતો. હુમલા બાદ ડોડાના છત્રકલામાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં છ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયાના અહેવાલ છે.
હુમલા અંગે જમ્મુના ADGP આનંદ જૈને જણાવ્યું હતું કે, “આ ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હતો અને એક નાગરિક ઘાયલ થયો હતો, પરંતુ હવે વિસ્તાર ખતરાની બહાર છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે અને વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર છે.” રિયાસી અને કઠુઆ પછી છેલ્લા ત્રણ દિવસમાં જમ્મુ ક્ષેત્રમાં આ ત્રીજો આતંકી હુમલો છે. જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં એક ઘર પર આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કર્યા પછી સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યા ગયાના કલાકો પછી ડોડા જિલ્લામાં આતંકવાદી હુમલો થયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવાર રાતથી જમ્મુ ડિવિઝનના અલગ-અલગ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે બે એન્કાઉન્ટર થયા છે. જમ્મુના સાંબા જિલ્લાના હીરાનગરના સાવલ વિસ્તારમાં મંગળવારે રાત્રે એન્કાઉન્ટર થયું હતું, જ્યાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે. અહીં ફાયરિંગમાં CRPFનો એક જવાન પણ ઘાયલ થયો હતો. બીજુ એન્કાઉન્ટર જમ્મુના ડોડા જિલ્લાના છત્રકલા વિસ્તારમાં ચાલી રહી છે. છત્રકલા વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને આર્મીના અસ્થાયી થાણા પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ ત્યાં અથડામણ શરૂ થઈ હતી. જમ્મુમાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ એન્કાઉન્ટર થયા છે.
સોમવારે સાંજે લગભગ 7.55 વાગ્યે જમ્મુના કઠુઆ જિલ્લાના હીરાનગર વિસ્તારના સૈદા ગામમાં બેથી ચાર સશસ્ત્ર આતંકવાદીઓ જોવા મળ્યા હતા. બે આતંકવાદીઓએ સૌદા ગામમાં એક ઘરનો દરવાજો ખટખટાવ્યો અને તે ઘરની મહિલા પાસે પાણી માંગ્યું હતું. જ્યારે મહિલાએ પાણી આપવાની ના પાડી ત્યારે બંને આતંકીઓ આ મહિલાની બાજુમાં રહેતા ઓમકારના ઘરના ગેટ પર ગયા હતા. અહીં પહોંચતા જ તેઓએ દરવાજા પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ફાયરિંગમાં ઓમકારને હાથ પર ગોળી વાગી હતી. આતંકવાદીઓએ ત્યાંથી બાઇક પર જઈ રહેલા દંપતીને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, આતંકવાદીઓએ 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો અવાજ સાંભળીને નજીકના ગ્રામજનોએ સુરક્ષા દળોને જાણ કરી હતી. જે બાદ પોલીસ અને સુરક્ષા દળો અહીં પહોંચ્યા હતા. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કઠુઆમાં સુરક્ષા દળોએ બંને આતંકવાદીઓને ઠાર માર્યાં હોવાનું જાણવા મળે છે.